મોદીએ ભાષણમાં જણાવ્યું હતું કે, ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) વિઝા ધરાવનાર લોકોને લાઇફ લોંગ વિઝા અપાશે. આ ઉપરાંત પ્રવાસી ભારતીયો પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજીન (પીઆઇઓ) અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) વચ્ચેના તફાવતને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને જે લોકોના જીવનસાથી ભારતીય નથી તેમને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ મુશ્કેલીને દૂર કરવા માટે મોદીએ પીઆઇઓ અને ઓસીઆઈ સ્કીમને મર્જ કરી દેવાની જાહેરાત કરી હતી. અમેરિકન નાગરિકોને લાંબા સમયના વિઝા આપવાની અને વિઝા ઓન અરાઇવલની સાથે જ એનઆરઆઈઓ માટે ટૂંક સમયમાં જ એક નવી સ્કીમની જાહેરાત કરવાની વાત પણ કરી હતી.
૨૧મી સદી ભારતની છે
મોદીએ સૌને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે, એક જમાનો હતો કે, જ્યારે ભારતને સાપ અને મદારીઓ તેમ જ કાળા જાદુ કરનારાઓનો દેશ માનવામાં આવતો હતો , પણ આજે ભારતે આઈટીમાં કમાલ કરી બતાવી છે. હવે ભારતના યુવાનો માઉસ ફેરવીને સમગ્ર દુનિયાને ફેરવે છે. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર દુનિયાનો ભારત પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો છે અને તેના માટે અમેરિકામાં વસતા ભારતીયોનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. લોકસભા ચૂંટણી જીતાડીને લોકોએ તેમના ખભે જે જવાબદારી મૂકી છે તેને તેઓ નિષ્ઠાથી નિભાવશે અને કોઈને નીચાજોણાનો સમય નહીં આવે. સરકાર રચાયા બાદ તેમણે ૧૫ મિનિટનું પણ વેકેશન લીધું નથી.
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત દુનિયાની સૌથી પ્રાચીન સંસ્કૃતિ અને સૌથી યુવાન દેશનું સંમિશ્રણ છે માટે તેની વિકાસની સંભાવનાઓ પણ અમાપ છે. તેના સામર્થ્યને આજે અમેરિકાએ પણ સ્વીકાર્યું છે કે, ૨૧મી સદી ભારતની છે.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ડેમોક્રેસી અને ડિમાન્ડ જેવી વસ્તુઓ દુનિયામાં ફક્ત ભારત પાસે જ છે. ભારતે ગંગા શુદ્ધિકરણ અને સ્વચ્છતા અભિયાન છેડયું છે. ગંગાની સફાઇ માટે તમારે પણ યોગદાન આપવું જોઇએ.
રંગારંગ કાર્યક્રમ
કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક પર્ફોર્મન્સથી થઈ હતી, જેમાં રાસ-ગરબાની રમઝટ સાથે ભારતનાં વિવિધ સાંસ્કૃતિક નૃત્યો અને ગીતોનું પર્ફોર્મન્સ યોજાયું હતું. મોદી સરકારની ૧૦૦ દિવસની સફળગાથાને પણ દર્શાવાઇ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમેરિકાની ૨૦૧૪ મિસ અમેરિકાનો ખિતાબ જીતેલી નીના દાવુલૂરીએ કર્યું હતું. મેડિસન સ્ક્વેરમાં મોદી માટે છ ફૂટ વ્યાસનું એક સ્ટેજ તૈયાર કરાયું હતું, જે દર ૧૫ મિનિટના અંતરાલે ૩૬૦ ડિગ્રી ફરતું રહેતું હતું. આ સાથે જ ન્યૂ યોર્કના સુપ્રસિદ્ધ ટાઇમ્સ સ્ક્વેર ખાતે મોદીના ભાષણને લાઇવ બતાવાયું હતું.
વિશ્વ શાંતિની અપીલ
વડા પ્રધાન મોદીએ ન્યૂ યોર્કના સેન્ટ્રલ પાર્ક ખાતે રોક સમારંભમાં વિશ્વ શાંતિ માટે આહવાન કર્યું હતું. મોદીએ પાંચથી સાત મિનિટ અંગ્રેજીમાં ભાષણ આપ્યું હતું. જ્યારે પ્રવચનની સમાપ્તિ મોદીએ સંસ્કૃતના શ્લોક સાથે કરી હતી. ૧૫મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી આપેલાં ભાષણમાં કરેલા સફાઇનાં આહવાનનો વડા પ્રધાને ન્યૂ યોર્કમાં પુનરોચ્ચાર કર્યો હતો.
મોદીએ જણાવ્યું હતું કે યુવાશક્તિ વિશ્વને બદલી નાખશે. વિશ્વભરમાં સ્વચ્છતા અને ગરીબી નાબૂદી માટે અભિયાન ચલાવી રહેલાં સંગઠન ગ્લોબલ સિટિઝનના કાર્યકરોને સંબોધન કરતાં મોદીએ કહ્યું હતું કે ન્યૂયોર્કવાસીઓ તમે કેમ છો... ટેલિવિઝન, સ્માર્ટફોન, ટેબ્લેટ અને લેપટોપ પર કાર્યક્રમ જોઇ રહેલાં લોકોને નમસ્તેનું અભિવાદન કર્યું હતું.
તુલસીની ગીતા હવે મોદીની
અમેરિકાની કોંગ્રેસમાં બીરાજતા એક માત્ર હિન્દુ સાંસદ તુલસી ગેબાર્ડે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત યોજીને ભગવદ્ ગીતા ભેટમાં આપી હતી. તુલસીએ કહ્યું હતું કે, આ મારો ભારત પ્રત્યેનો પ્રેમ અભિવ્યક્ત કરવાની રીત છે. તુલસી અમેરિકામાં એવા સાંસદોમાંથી એક છે જેમણે મોદીને વિઝા આપવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી ઝુંબેશ ચલાવી હતી. તુલસીએ મોદીને જે ગીતા ભેટમાં આપી તે ગીતા તેમની પાસે બાળપણથી હતી. તેમણે જ્યારે અમેરિકાના સાંસદ તરીકે શપથ લીધા ત્યારે હાથમાં આ
ગીતા હતી.
ક્લિન્ટન દંપતી સાથે મિટિંગ
વડા પ્રધાન મોદી અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન તથા તેમના પત્ની હિલેરી ક્લિન્ટનને પણ મળ્યા હતા. મુલાકાત દરમિયાન વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ પણ હાજર હતા. ક્લિન્ટને મોદીના વખાણ કરતાં જણાવ્યું કે, દરેકને તેમની ક્ષમતામાં વિશ્વાસ છે અને અમે પણ તેમની સાથે કામ કરવા ઉત્સુક છીએ.