નવી દિલ્હીઃ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર ઉપર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ફોલો કરવામાં આવતાં ભારતભરના નેતાઓની યાદીમાં વડા પ્રધાન સૌથી ટોચના સ્થાને છે. હવે ટ્વિટર હેન્ડલ પર તેમના ફોલોઅર્સની સંખ્યા સાત કરોડનો આંકડો વટાવી ગઇ છે. આ સાથે જ વડા પ્રધાન મોદી ટ્વિટર પર સક્રિય વિશ્વ નેતાઓની યાદીમાં સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે.
ટ્વિટર પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતાઓની યાદીમાં અગાઉ અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ સૌથી ઉપર હતું. તેમને પ્રમુખપદ દરમિયાન ૮.૮૭ કરોડ લોકો ફોલો કરતાં હતાં. જોકે વિવાદાસ્પદ નિવેદનોના કારણે સતત સમાચારોમાં રહેતા આ નેતાનું ટ્વિટર એકાઉન્ટ બંધ થઇ ગયું છે.
યાદીમાં વડા પ્રધાન મોદી પછીના બીજા ક્રમે ૫.૩ કરોડ ફોલોઅર્સ સાથે પોપ ફ્રાન્સિસ છે. જોકે સક્રિય રાજકારણને બાજુએ રાખીને વાત કરવામાં આવે તો અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામા ૧૩ કરોડથી વધારે ફોલોઅર્સ ધરાવે છે. જ્યારે અમેરિકાના હાલના પ્રેસિડેન્ટ જો બાઇડેનના ટ્વિટર હેન્ડલ ઉપર ૩.૦૯ કરોડ ફોલોઅર્સ છે.