મોદીનું મિશન એનએસજીઃ તાશ્કંદમાં જિનપિંગને મળ્યા

Friday 24th June 2016 05:49 EDT
 
 

તાશ્કંદઃ ભારતને એનએસજીમાં સ્થાન અપાવવા સરકારે એડીચોટીનું જોર લગાવ્યું છે. બીજી તરફ ચીન પણ ભારતને એનએસજીમાં સ્થાન ન મળે તે માટે શક્ય તમામ પ્રયાસ કરી રહ્યું છે. ભારત દ્વારા અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, સ્વિત્ઝર્લેન્ડ જેવા દેશોને રાજી કરી લેવાયા છે, પણ ચીનનો વિરોધ યથાવત્ છે. આ વિરોધ નબળો પાડવા અને ચીનનું સમર્થન મેળવવા આખરે વડા પ્રધાન મોદી મેદાને પડ્યા છે. તેમણે સિઉલ ખાતેની બેઠક પહેલાં ગુરુવારે ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ સાથે મુલાકાત કરી હતી.

નિષ્પક્ષ પરીક્ષણ કરવામાં આવે

ગુરુવારે મોદીએ જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન એનએસજી મુદ્દો જ મુખ્ય ચર્ચામાં રહ્યો હતો. વડા પ્રધાને જિનપિંગને જણાવ્યું હતું કે ભારતે એનએસજી માટે કરેલી અરજીનું નિષ્પક્ષતાથી પરીક્ષણ કરવામાં આવે. ચીને ભારતના વિકાસ અને વિસ્તરતા કદમાં મદદ કરવી જોઈએ તેવી માગણી કરી હતી.

મોદીની મુલાકાત પહેલાં તાશ્કંદમાં પાકિસ્તાનના પ્રમુખ મમનૂન હુસૈને ચીનના જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન પાકિસ્તાને ચીન દ્વારા સતત મળી રહેલા સાથ-સહકાર બદલ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ચીનનું વલણ કે નીતિ સહેજ પણ ભેદભાવપૂર્ણ નથી. ચીન તટસ્થ રીતે સ્થિતિનું આકલન કરી રહ્યો છે. એનએસજીમાં સ્થાન મળવું જ હોય તો ભારત અને પાકિસ્તાન બંનેને મળવું જોઈએ.

સહમતીનો અભાવ

ભારતને એનએસજીમાં સ્થાન મેળવવા આડે અડચણો દૂર થયાનું જણાતું નથી. ગુરુવારે સિઉલમાં યોજાયેલી ડિનર બાદની વિશેષ બેઠકમાં ચીન સહિતના છ દેશોએ ભારતનો સખત વિરોધ કર્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીન ઉપરાંત બ્રાઝિલ, ઓસ્ટ્રિયા, ન્યૂ ઝિલેન્ડ, આયરલેન્ડ અને તુર્કીએ સતત વિરોધ કરતાં એનએસજી દેશોના સભ્યો વચ્ચે સહમતી સધાઈ નહોતી અને ભારતને સ્થાન આપવાનો નિર્ણય લેવાયો નહોતો.

ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ માટે દેશ-વિદેશના પ્રવાસ કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત છેલ્લી ઘડી સુધી ભારત સરકારે ચીનને મનાવવા માટે જાત જાતના પ્રયાસ કર્યા છે તે પણ નિષ્ફળ ગયા છે. વિરોધ કરનારા દેશો એક જ દલીલ કરતા હતા કે ભારત દ્વારા ન્યુક્લિયર નોન-પ્રોલિફરેશ ટ્રીટી (એનપીટી) પર હસ્તાક્ષર કરાયા નથી. આ કરાર પર હસ્તાક્ષર ન કરનારા દેશોને એનએસજીમાં સ્થાન નહીં આપવાનો નિયમ છે.

બીજી બાજુ ભારતના નાણા પ્રધાન અરુણ જેટલી ચીનના પ્રવાસે પહોંચી ગયા છે. આર્થિક બાબતો પર થનારી ચર્ચા દ્વારા એનએસજી મુદ્દે સમર્થન મેળવવાના પ્રયાસ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter