હેમ્બુર્ગઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બ્રિટન અને જર્મનીના ચાર દિવસના પ્રવાસના પ્રથમ પડાવમાં જર્મનીના હેમ્બુર્ગ પહોંચ્યા હતા. અહીં તેઓએ ભારતીય સમુદાયના લોકો અને વિદ્યાર્થી સાથે સંવાદ કર્યો હતો. ૨૩મી ઓગસ્ટે રાહુલ ગાંધીએ બર્લિનમાં ઈન્ડિયન ઓવરસિઝ કોંગ્રેસને સંબોધી હતી. હેમ્બુર્ગ સ્થિત સમર સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતાં રાહુલ ગાંધીએ એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે, સંસદમાં તેઓ વડા પ્રધાન મોદીને ભેટયા ત્યારે કોંગ્રેસના જ કેટલાંક લોકોને તે ગમ્યું નહોતું. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં બેરોજગારીનો પ્રશ્ન છે પરંતુ વડા પ્રધાન તે સામે જોવા ઇનકાર કરી રહ્યાં છે. કોઈ પ્રશ્નના સમાધાન શોધવા પહેલાં તો પ્રશ્નનો સ્વીકાર કરવો રહ્યો. ભારત અમેરિકા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે બંને દેશો મહત્ત્વના સંબંધ ધરાવે છે અને બંને લોકશાહી જેવી સમાન પરંપરા ધરાવે છે, પરંતુ ભારત ઝડપથી આગળ વધી રહેલા ચીનને નજર અંદાજ કરી શકે તેમ નથી. આ પ્રસંગે કેટલાંક વિદ્યાર્થીએ તેમને ભેટવાની ઇચ્છા વ્યક્ત કરતાં રાહુલ તેમને ભેટયા હતા. મોદીને ભેટવાને મુદ્દે પ્રશ્ન પુછાતાં તેમણે કહ્યું હતું કે મેં તેમને ભેટીને નફરતનો જવાબ પ્રેમથી આપ્યો હતો.