નવી દિલ્હીઃ ભારતનાં ચાર દિવસનાં પ્રવાસે આવેલા બાંગ્લાદેશનાં વડા પ્રધાન શેખ હસીના તેમની સાથે ભારતીય નેતાઓ માટે ઢગલાબંધ ભેટસોગાદ લઈને આવ્યા છે. તેમણે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓને ભેટસોગાદ આપી હતી.
શેખ હસીના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી માટે સિલ્ક પાયજામાની જોડી, આર્ટવર્ક, એક ડિનર સેટ, લેધર બેગ સેટ, ૪ કિલો કાલાજામ અને રસગુલ્લા, બે કિલો સંદેશ મીઠાઈ, ૨૦ કિલો હિલ્સા માછલી તેમજ બે કિલો યોગર્ટ લાવ્યા હતા. રાષ્ટ્રપતિનાં પુત્રી શર્મિષ્ઠા માટે એક સિલ્ક સાડી લાવ્યા હતા.
આ ઉપરાંત શેખ હસીના મોદી માટે લેધર બેગ, ૪ કિલો કાલાજામ અને રસગુલ્લા, બે કિલો સંદેશ તેમજ ૪ કિલો દહીં લાવ્યા હતા. નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા માટે તેઓ રાજાશાહી સિલ્ક સાડી લાવ્યા હતા. જ્યારે ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી માટે એક ડિનર સેટ, બે કિલો રસગુલ્લા અને કાલાજામ તથા એક કિલો સંદેશ લાવ્યા હતા. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ માટે રાજાશાહી સિલ્ક સાડી, એક ટી-સેટ, ૨ કિલો રસગુલ્લા અને કાલાજામ, એક કિલો સંદેશ તેમજ બે કિલો દહીં લાવ્યા હતા.