મેક્સિકોના વેલ ડી બ્રેવો નજીક આવેલા પર્વતાળ પ્રદેશમાં પેડ્રા હેરાડા સેન્ચ્યુરીમાં એક વૃક્ષની ડાળખી પર આરામ ફરમાવતી પ્રવાસી મોનાર્ક પતંગિયાનું ટોળું. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (આઇયુસીએન)ની ગયા વર્ષે જાહેર થયેલા રેડ લિસ્ટમાં પતંગિયાઓની આ અતિ વિશિષ્ટ મનાતી પ્રજાતિને લુપ્તપ્રાય જાહેર કરવામાં આવી છે. પ્રકૃતિની આ નાનકડી અને નમણી રચના કેટલી શક્તિશાળી છે એ વાતનો અંદાજ તેના પરથી મળશે કે આ પતંગિયા દર વર્ષે ઉત્તરીય અમેરિકા અને દક્ષિણી કેનેડાથી 1200થી 1300 માઇલનો પ્રવાસ કરીને મેક્સિકો પહોંચે છે અને નવેમ્બરથી માર્ચ સુધી અહીં રોકાણ કરીને પૂરો શિયાળો મેક્સિકોના મોનાર્ક બટરફ્લાય બાયોસ્ફીયર રિઝર્વમાં જ વીતાવે કરે છે. મોનાર્ક પતંગિયાઓના લાંબા પ્રવાસની પેટર્નનો દસકાઓ સુધી અભ્યાસ કર્યા બાદ 1980માં આ પ્રદેશને બાયોસ્ફીયર રિઝર્વ જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ 2008માં આ રિઝર્વને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો. આ સેન્ચ્યુરીના પહાડી જંગલોમાં મોનાર્ક પતંગિયાઓની મુખ્યત્વે 14 વસાહત છે, જે મિશોએકન અને મેક્સિકો સ્ટેટ પ્રાંત સુધી ફેલાયેલી છે. આમાંથી આઠ આરક્ષિત વિસ્તારમાં છે. દુનિયાભરના પર્યટકો માટે ખુલ્લી મૂકવામાં આવેલી પાંચ વસાહતોમાંથી એક પેડ્રા હેરાડા છે.