સિઉલ: સતત મોબાઈલમાં રચ્યાપચ્યા રહેતા લોકો રોડ ક્રોસ કરતી વખતે ગ્રીન સિગ્નલ છે કે કેમ તે જોવાની પણ દરકાર કરતા હોતા નથી, અને ક્યારેક ગંભીર અકસ્માત સર્જાઇ જતો હોય છે. આ સ્થિતિને ટાળવા માટે સાઉથ કોરિયામાં મોબાઈલ ફોનમાં ડૂબીને રસ્તા પર ચાલનારા રાહદારીઓ માટે અનોખો આઇડિયા અમલમાં મૂકાયો છે. મોબાઈલમાં જોઈને ચાલનારા લોકોની નજર ઉપર ભલે ના હોય, પણ ફ્લોર પર જરૂર હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સાઉથ કોરિયાના સત્તાવાળાઓએ જમીન પર જ રસ્તાના છેડા પર સિગ્નલ લાઇટ ફિટ કરી દીધી છે. આ લાઇટ ઝિબ્રા ક્રોસિંગ પાસે ફૂટપાથ પર એ રીતે ફિટ કરવામાં આવી છે કે નીચું જોઈને ચાલતાં લોકોની આંખમાં સીધો પ્રકાશ પડે, અને તેઓ લાઈટનો લાલ રંગ જોઇને આગળ વધતા અટકી જાય. એક ટ્વિટર યુઝર ટૂંગ ફાને આ સિગ્નલ લાઇટની મહત્તા દર્શાવતો વીડિયો શેર કર્યો છે. ટૂંગ કહે છે કે ફોનમાં તાકતા રહીને માર્ગ ક્રોસ કરતા રાહદારીઓ માટે સાઉથ કોરિયામાં ઝિબ્રા ક્રોસિંગ પાસે જ જમીન પર સિગ્નલ લાઇટ મૂકી દેવામાં આવી છે. આના કારણે લોકો જાગ્રત થતા દેખાયા છે.
આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર એવી ટિપ્પણી આવી છે કે આધુનિક સમસ્યાનું સમાધાન પણ આધુનિક જ હોવું જોઈએ. અન્ય એક યુઝર કહે છે કે આ સિગ્નલ એટલા માટે પણ સારું છે કે ઘણી વાર બસો થાંભલા પરના સિગ્નલને ઢાંકી દેતી હોય છે. કોઈ આને ગુડ આઇડિયા ગણાવે છે તો કોઈ યૂઝર આને ગ્રેટ આઈડિયા ગણાવીને તેની પ્રશંસા કરી છે.