ઓટ્ટાવાઃ કેનેડાની સાંસદે રોહિંગ્યા મુસ્લિમોના મુદ્દે મ્યાંમારની નેતા આંગ સાન સૂ કિનું માનદ નાગરિકત્વ પાછું ખેંચી લેવા સર્વાનુમતે નિર્ણય કર્યો હતો. ઓટ્ટાવાએ લાંબા સમય સુધી જેલવાસ ભોગવનાર અને લોકશાહીની હિમાયતી તેમજ નોબેલ પુરસ્કાર વિજેતાને આ સન્માન ૨૦૦૭માં આપ્યું હતું.
ઓટ્ટાવાએ જેને માનવસંહાર ગણાવ્યો હતો તે રોહિંગ્યા મુસ્લિમોની કત્લેઆમને તેમણે સેનાનો અત્યાચાર નહીં ગણાવતા આ પગલું લેવાયું હોવાની આશંકા છે. વર્ષ ૨૦૦૭માં આમ સભાએ આંગ સાન સૂ કીને કેનેડાના માનદ્ નાગરિકત્વનો દરજ્જો આપ્યો હતો. ૨૯મીએ સાંસદ દ્વારા સર્વાનુમતે ઠરાવ પસાર થયો અને આંગ સૂ પાસેથી એ માનદ નાગરિકત્વ પાછું લઈ લેવામાં આવ્યું. તેવું પૂર્વ વિદેશ પ્રધાનના પ્રવક્તાએ કહ્યું હતું. ગયા વર્ષે મ્યાંમારની સેનાએ અત્યંત ઘાતકી રીતે રોહિંગ્યા મુસ્લિમોની કત્લેઆમ કરી હતી જેના કારણે સાત લાખ ઉપરાંત મુસ્લિમોને દેશ છોડીને ભાગી જવાની ફરજ પડી હતી.