યાંગોનઃ મ્યાંમારમાં લશ્કરી શાસકો સામે ફાટી નીકળેલો જનાક્રોશ દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. દેશભમાં વિરોધ પ્રદર્શન અને ઉગ્ર દેખાવો ચાલુ રહ્યા છે. ઠેર ઠેર હિંસક અથડામણો થઇ રહી છે. ચીને મ્યાંમારની ક્રૂર સેનાને છાવરવાનો પ્રયાસ કરતા દેખાવકારોએ તેમનો રોષ ચીનની ફેક્ટરીઓ પર ઠાલવ્યો છે અને ચીનનાં રોકાણવાળી ૩૨ ફેક્ટરીઓને આગ ચાંપીને લૂંટફાટ ચલાવી હતી. પરિણામે કારણે ચીનને કરોડો ડોલરનું નુકસાન થયું હોવાના અહેવાલ છે. હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન ચીનના બે નાગરિકોને ઈજા થઈ છે. તે પછી ચીનને તેના નાગરિકોની સુરક્ષાની ચિંતા થઈ છે.
૨૫૦થી વધુના મોત: મ્યાંમારમાં ૧ ફેબ્રુઆરીથી લશ્કરી શાસન પછી તેનો વિરોધ કરી રહેલા લોકો પર મ્યાંમારની આર્મીએ ક્રૂરતા અને અત્યાચાર ગુજારતા ૨૫૦થી વધુ લોકોનાં મોત થયાં છે. યુએનના વડા એન્ટોનિયો ગુટરેસે શાંતિથી દેખાવો કરી રહેલા સામે આર્મી દ્વારા આચરવામાં આવતી હિંસાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. બીજી તરફ મ્યાંમારમાં લશ્કરી શાસન પછી હિંસા અને દેખાવો ઉગ્ર બનતા ત્યાંના ૩૮૩થી વધુ નાગરિકો બોર્ડર ક્રોસ કરીને મિઝોરમમાં આવ્યા હોવાનું જાણવા મળે છે.