યાંગોન: મ્યાંમારમાં સૈન્યે સત્તા પોતાના હાથમાં લઇ લીધી ત્યારથી લઇને અત્યાર સુધી ૫૫૦થી વધુ નાગરિકોની ખુલ્લેઆમ હત્યા કરી છે. દરરોજ સૈન્ય અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ જોવા મળે છે. મ્યાંમારના અસિસ્ટન્સ અસોસિએશન ફોર પોલિટિકલ પ્રિઝન્સ નામના સંગઠને કહ્યું છે કે પહેલી ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ૫૫૦થી વધુ લોકો માર્યા ગયા છે. જેમાં ૪૬ બાળકોનો સમાવેશ થાય છે.
આ સાથે જ આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે મ્યાંમાર સૈન્યએ આશરે ત્રણ હજાર જેટલા નાગરિકોની અટકાયત કરી છે તો કેટલાકને સજા પણ કરી દીધી છે. જોકે મ્યાંમાર સૈન્યના અત્યાચાર અને નાગરિકો પર ગોળીબારથી નાગરિકોનુ મનોબળ નથી તુટયું અને વધુ આક્રામક રીતે સૈન્યનો વિરોધ કરવા લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે.
શનિવારે જ મ્યાંમારમાં મધ્યમાં આવેલા અનેક શહેરોમાં સૈન્ય દ્વારા નાગરિકો પર ખુલ્લેઆમ ગોળીબાર કરાયો હતો. જેમાં અનેક લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘવાયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. હાલ મ્યાંમારમાં સૈન્ય અને નાગરિકો વચ્ચે ઘર્ષણ થતા ગૃહ યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.