મ્યાંમારમાં લશ્કરી બળવોઃ સાત શહેરોમાં કરફ્યૂ

Tuesday 09th February 2021 14:31 EST
 
 

નાયપીઆદેવ: દસ વર્ષ પહેલાં લોકશાહી અપનાવનાર મ્યાંમારમાં ફરી સૈન્યશાસન આવ્યું છે. સેનાએ દેશની સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ, પ્રેસિડેન્ટ યુ વિન મિંટની સાથે ઘણા વરિષ્ઠ નેતાઓ અને ઓફિસર્સની અટકાયત કરી લીધી એ પછી સેનાએ ટીવી ચેનલ પરથી દર્શાવવામાં આવ્યું કે એક વર્ષ માટે મિલિટરીએ દેશને અંકુશમાં લીધો છે. આ સમાચાર સાથે દેશમાં બળવો શરૂ થયો હતો.
૪૦૦ સાંસદ ઘરમાં નજરબંધ
દેશમાં સેનાના સત્તાપલટા પછી આશરે ૪૦૦ સાંસદોને રાજધાનીમાં તેમના સરકારી આવાસોમાં જ નજરબંધ કરી દેવાયાના બીજીએ સમાચાર હતા. જોકે, આ તમામ નેતાઓના ફોન ચાલુ રખાયા અને તેઓ પોતપોતાના મતવિસ્તારોમાં સંપર્કમાં રહ્યા હતા. સ્થાનિક પોલીસનો બંદોબસ્ત તેમના ઘરોના પરિસરમાં રખાયો હતો.
મ્યાંમારમાં સેના દ્વારા લશ્કરી શાસન લદાતાં પાટનગરમાં સત્તાપલટો કરનારી સેના પાસેથી સત્તા આંચકીને ફરીથી ચૂંટાયેલા પ્રતિનિધિઓને સત્તા સોંપવાની માગ સાથે દેખાવો શરૂ થયાં હતા. દેખાવકારો પર પોલીસ વોટર કેનનો ઉપયોગ કર્યો હતો. જેથી લશ્કરે એક પછી એક શહેરમાં કરફ્યુ લગાવ્યો હતો. દેશના સૌથી મોટા બીજા ક્રમના શહેર મંડાલના સાત ઉપનગરોમાં રાત્રે ૮:૦૦ વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી કરફ્યુ લાદ્યો હતો. કેટલાક માધ્યમોએ લખ્યું હતું કે, મ્યાંમારના સાત શહેરોમાં માર્શલ લો લાગુ કરાયો હતો.
આંગ માયાય, થારઝન, મહા આંગ, અમરાપુરા, પાથેયનંગી, પિગિટેકોન, ચાન આઇ થારઝન અને ચાન માયય થારઝી નગરોમાં કરફ્યુ લદાયો હતો. દરેક નગરના મુખ્ય વહીવટદાર દ્વારા અપાયેલા આદશ અનુસાર, પાંચ કરતાં વધુ લોકોના ભેગા થવા પર અને ભાષણો, સભા તેમજ વિરોધ પ્રદર્શન પર રોક લગાવી દેવાઈ હતી.
૭૦ હોસ્પિટલોનું કામ ઠપ્પ
સેનાએ કરેલા આ સત્તાપલટાની આખા વિશ્વમાં ટીકા થઇ રહી છે ત્યારે મ્યાંમારના ડોક્ટરો પણ પ્રદર્શનમાં જોડાયા છે. સત્તાપલટાના વિરોધમાં મ્યાંમારના ૩૦ શહેરોની ૭૦ હોસ્પિટલના મેડિકલ સ્ટાફે કામ બંધ કરી દીધું હોવાના અહેવાલ હતા. આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું કે, સેનાએ કોરોના વાયરસ મહામારી દરમિયાન પહેલેથી જ મુશ્કેલીનો સામનો કરતા લોકો ઉપર પોતાના હિતોને થોપ્યા છે. મ્યાંમારમાં કોરોના વાઈરસથી ૩૧૦૦થી વધારે લોકોનાં મોત થયાં છે. પ્રદર્શનકારીઓએ કહ્યું કે, દેશના ગરીબો અને દર્દીઓ પ્રત્યે સેનાને સન્માન નથી ત્યાં અમે કાર્યરત નહીં રહીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter