નેપીતાવઃ મ્યાંમારમાં અડધી સદી બાદ કોઇ બિનલશ્કરી વ્યક્તિ પ્રમુખપદે બિરાજી છે. નોબેલ પારિતોષિક વિજેતા આંગ સાન સૂ કીના નજીકના સહયોગી હિતન ક્યો હવે પ્રમુખ તરીકે દેશનું નેતૃત્વ કરશે. દસકાઓ સુધી લશ્કરી શાસનને આધિન રહેલા મ્યાંમારના રાજકીય ઈતિહાસમાં આ એક મહત્ત્વપૂર્ણ ઘટના છે.
૬૯ વર્ષીય હિતન ક્યોએ મ્યાંમારની સંસદના બંને ગૃહોમાં ૬૫૨માંથી ૩૬૦ મત મેળવ્યા હતા. આ સાથે જ બંધારણની જોગવાઈના કારણે પ્રમુખ ન બની શળકનારા સૂ કી માટે પડદા પાછળથી આ પદની જવાબદારી સંભાળવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.
મ્યાંમારના પાટનગર નેપીતાવમાં મતગણતરીની લાંબી પ્રક્રિયા પછી જ્યારે પરિણામની જાહેરાત કરવામાં આવી ત્યારે સાંસદ હિતન ક્યો ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા. હિતન ક્યો સૂ કી અને તેમના પરિવારના વિશ્વસનીય મિત્ર છે. તેઓ પોતે એક કવિ છે અને તેમના પિતા પણ જાણીતા કવિ અને એનએલડીના સમર્થક છે.
હિતન ક્યોએ એ સમયે ઓક્સફોર્ડની ડિગ્રી મેળવી હતી જે વખતે સૂ કીનું કુટુંબ ત્યાં હતું. જ્યારે સૂ કી મ્યાંમારમાં નજર કેદ હતા ત્યારે કેટલાક લોકોને જ તેમને મળવાની પરવાનગી અપાતી હતી. આ ‘કેટલાક’ લોકોમાં હાતિન ક્યો પણ સામેલ હતાં. સૂ કીને જ્યારે કેટલાક દિવસો માટે મુક્ત કરવામાં આવતા હતા ત્યારે ક્યો તેમના ડ્રાઈવરની ભૂમિકા નિભાવતા હતા. આથી જ શરૂઆતમાં એવા પણ અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે તેમણે પોતાના ડ્રાઈવરને જ પ્રમુખ બનાવી દીધા છે.
હજુ સંપૂર્ણ લોકશાહી નહીં
સૂ કીની પાર્ટી નેશનલ લીગ ફોર ડેમોક્રેસી (એનએલડી)ની પાસે બંને ગૃહોમાં ભારે બહુમતી છે પણ મ્યાંમારમાં હજુ પણ સંપૂર્ણ લોકશાહી નથી. સેનાએ લોકતંત્ર પર પોતાની પકડ બનાવી રાખી છે. સંસદમાં ૨૫ ટકા સાંસદો સેના દ્વારા ચૂંટવામાં આવે છે.
સેનાએ ૨૦૦૮માં બંધારણમાં એક આર્ટિકલ ૫૯ (એફ) ઉમેર્યો છે. આ આર્ટિકલના આધારે સેનાએ આંગ સાન સૂ કીને રાષ્ટ્રપતિપદની રેસમાં જોડાતા અટકાવ્યા હતા. આ આર્ટિકલ પ્રમાણે જે વ્યક્તિના જીવનસાથી અથવા તો સંતાનો વિદેશી નાગરિકત્વ ધરાવતા હોય તેએ રાષ્ટ્રપતિપદની ઉમેદવારી નોંધાવી શકે નહીં. આંગ સાન સૂ કીના પતિ વિદેશી નાગરિકત્વ ધરાવે છે. તે ઉપરાંત તેમના બંને સંતાનો પણ બ્રિટિશ નાગરિક છે. આ સંજોગોમાં તેઓ ઉમેદવારી કરી શકે નહીં. બીજી તરફ તેમણે પોતાના વિશ્વાસુ હિતન ક્યોને ઉમેદવાર બનાવ્યા હતા. તેઓ ક્યોની મદદથી મ્યાંમારના રાજકારણ પર પકડ જમાવી રાખે તેવી શક્યતાઓ જોઈ શકાય છે.
પ્રતિબંધ છતાં દેશનું સંચાલન કરીશ: સૂ કી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સૂ કીએ સેના સામે ટક્કર ઝીલીને મોટી લડત આપી છે અને તેઓ હજી પણ આ લડત લડવા તૈયાર છે. તાજેતરમાં જ પ્રમુખપદના ઉમેદવાર માટે એનએલડીના નીચલા સદનના સાંસદ ક્હિન સાન હ્યાંગે જણાવ્યું હતું કે, હું એનએલડી તરફથી હિતન ક્યોનું નામ પ્રમુખપદના ઉમેદવાર માટે પ્રસ્તાવિત કરું છું. આ પછી ક્યોનો પ્રમુખપદનો રસ્તો સાફ થઇ ગયો હતો. સૂત્રોના મતે સૂ કીએ સંકલ્પ કર્યો હતો કે, તેઓ સેનાએ લાગુ કરેલા ડ્રાફ્ટથી અસર કરતા પ્રતિબંધનો છતાં દેશનાં સંચાલનમાં પોતાનો ભાગ ભજવશે. તે પ્રતિબંધ છતાં દેશનાં સંચાલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
કોણ છે હિતન ક્યો?
એનએલડીના ૬૯ વર્ષના નેતા હિતન ક્યો આંગ સાન સૂ કીના વિશ્વાસપાત્ર એડવાઇઝર છે અને સૂ કીના ડ્રાઇવર પણ રહી ચૂક્યા છે. તેઓ સ્કૂલના સમયથી સૂ કીની સાથે હતા. ૧૯૬૨માં હિતન ક્યોએ યંગૂન યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સની ડિગ્રી મેળવી હતી. બાદમાં તેઓ અભ્યાસ માટે ઓક્સફર્ડ ચાલ્યા ગયા હતા. તે સૂ કી કરતાં એક જ વર્ષ નાના છે, તેમના પિતા મિન થૂ વૂન એક જાણીતા લેખક હતા. ૧૯૯૦માં તેમણે એનએલડીની બેઠક જીતી હતી. તેમના સસરા યૂ લ્વિન એનએલડીના સહસ્થાપક છે. તેઓ હાલ સૂ કીનાં ફાઉન્ડેશનનું સંચાલન કરી રહ્યા છે.
સૂ કી કોણ છે?
આંગ સાન સૂ કી મ્યાંમારમાં લોકશાહીની સ્થાપના માટે સંઘર્ષ કરનાર ટોચના નેતા છે. તેઓ એનએલડીના નેતા અને લોકશાહીની રીતે ચૂંટાયેલા વડા પ્રધાન પણ છે. તેમને ૧૯૯૧માં નોબેલ પુરસ્કારતી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે મ્યાંમારમાં લોકશાહી માટે ૧૪ વર્ષ જેલમાં પસાર કર્યા હતા. આ ઉપરાંત તેમણે ઘણો સમય ઘરમાં જ નજરકેદ રાખવામાં આવ્યા હતા. તેમને નવેમ્બર ૨૦૧૦માં જ મુક્ત કરવામાં આવ્યા હતા. સૂ કીને જવાહરલાલ નેહરુ પુરસ્કાર અને ભગવાન મહાવીર વિશ્વ પુરસ્કાર પણ એનાયત થયેલા છે.