નાઇપીદોવ (મ્યાંમાર)ઃ લશ્કરી શાસન ધરાવતા મ્યાંમારના ગુમનામ વિસ્તારોમાં 500થી વધુ ભારતીય આઇટી પ્રોફેશનલ્સને બંધક બનાવી દિવસ-રાત કામ કરાવાય છે. કામ ન કરે તો યાતનાઓ અપાય છે. ભારત સરકારે વિવિધ માધ્યમો દ્વારા તેમને છોડાવવા પ્રયાસ કર્યા. 32 ભારતીય છૂટી ચૂક્યા છે. તેમની પાસેથી જાણવા મળ્યું કે યુવા આઇટી પ્રોફેશનલ્સને ઊંચા પગારની લાલચ આપીને ફસાવાય છે. તેમને મ્યાનમારના જે દુર્ગમ વિસ્તારોમાં બંધક બનાવીને રખાય છે ત્યાં ચીની સૈન્યનો પણ હસ્તક્ષેપ રહે છે. આ પ્રોફેશનલ્સનો ડિજિટલ ફ્રોડ માટે અને ક્રિપ્ટોકરન્સી સંબંધી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરાય છે. બંધકોના દમ પર જ મ્યાંમારથી ઠગાઇનું ઇન્ટરનેશનલ રેકેટ ચાલી રહ્યું છે. ત્યાંથી દુનિયાભરના લોકો સાથે સાયબર ઠગાઇ કરાય છે.
સોશિયલ મીડિયા પર જાહેરાતો દ્વારા ફસાવાયા
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ જણાવ્યું કે, ‘અમે મ્યાંમાર સરકાર પાસેથી માહિતી મેળવવા પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ કોઇ પણ માહિતી કોઇ ત્રીજા સ્ત્રોત પાસેથી જ મળી રહી છે. બંધકોને છોડવા મોટી રકમ વસૂલાઇ રહી છે. ખંડણી ક્રિપ્ટોકરન્સીમાં લેવાઇ રહી છે.’ છોડાવીને લવાયેલા ભારતીયોએ જણાવ્યું કે તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાત જોઇને સંપર્ક કર્યો હતો. આ જાહેરાતો ભારત જ નહીં, દુબઇ અને બેંગકોકથી પણ પોસ્ટ કરાય છે. તેમને ઊંચા પગારની લાલચ આપીને થાઇલેન્ડ બોલાવાય છે. થાઇલેન્ડ પહોંચ્યા બાદ એરપોર્ટ પરથી જ મ્યાનમારના ગુમનામ વિસ્તારોમાં લઇ જવાય છે. પાસપોર્ટ સહિતના અગત્યના ડોક્યુમેન્ટ્સ આંચકી લેવાય છે.