પૂણેઃ દેશના ભાગલાનું અને પોતાનું ઘર છૂટ્યાનું દર્દ 75 વર્ષ સુધી હૈયે રાખ્યા બાદ 92 વર્ષનાં રીના છિબ્બર આખરે પાકિસ્તાનના રાવલપિંડી પહોંચ્યાં. પળ વારમાં બધી યાદો તાજી થઇ ગઇ, જાણે ગઇકાલની જ વાત હોય. પૂણેનાં રહેવાસી રીના રાવલપિંડીની પ્રેમ ગલીમાં તેમના પૈતૃક ઘર ‘પ્રેમહાઉસ’ પહોંચ્યાં તો પાડોશીઓએ ઢોલ વગાડીને તેમનું સ્વાગત કર્યું. તેમની આંખો ભીની થઇ ગઇ. ઘણું બધું પહેલાં જેવું જ હતું. એ જ ઘર, ગલી, ચોક. પ્રેમગલીનું નામ તેમના પિતા પ્રેમચંદના નામ પરથી પડ્યું હતું.
રીના છિબ્બર તેમના પૈતૃક ઘરમાં પ્રવેશતાં જ દાયકાઓ જૂની યાદો તાજી થઇ ગઇ. તેઓ ઘરની બાલ્કનીમાં ગયાં તો ગણગણવા લાગ્યાં- યે ગલિયાં, યે ચૌબારા, યહાં આના હૈ દોબારા. પાડોશીઓએ રીનાને રાવલપિંડીના મશહૂર સમોસા ચાટ અને ગોલ-ગપ્પે (પાણીપૂરી) ખવડાવ્યાં. રીનાએ જણાવ્યું કે તેમને હજુ પણ તેમની સહેલીઓ ફાતિમા અને આબિદા વિશે બધું જ યાદ છે. સાંજે ત્રણેય સહેલીઓ ધાબા પર સમય વિતાવતી હતી. રીના રાવલપિંડીમાં તેમની મોડર્ન સ્કૂલમાં પણ ગયાં, જ્યાંથી તેમણે ધો. 10 પાસ કર્યું હતું.
રીનાના ઘરની નજીક રહેતાં 65 વર્ષના મુમતાઝ બીબીને જેવી ખબર પડી કે ભારતથી કોઇ મહેમાન આવવાના છે તો તેઓ તરત ‘પ્રેમહાઉસ’ની બહાર પહોંચી ગયાં. રીનાએ કહ્યું કે બંને દેશની સંસ્કૃતિ એક છે. ભારત-પાકિસ્તાનના યુવાવર્ગે એકબીજા સાથે સંવાદ વધારવો જોઇએ. ભાગલાની વિચારધારા ધરાવતા લોકો હવે આ દુનિયામાં નથી. તે વિચારધારા ખતમ થઇ ચૂકી છે. આપણે હવે નવી શરૂઆત કરવી જોઇએ. પાકિસ્તાનના લોકો પાસેથી મને જે પ્રેમ મળ્યો છે તે હું ક્યારેય નહીં ભૂલું. હું અહીં એકલી આવી છું પણ અહીંથી ઢગલાબંધ યાદો લઇને જઇશ. તેઓ બાળપણની યાદો તાજી કરવા મુર્રી હિલ સ્ટેશન પણ જશે.
દીકરીએ રાવલપિંડીનો વીડિયો બતાવ્યો ને...
રીના છિબ્બરે જણાવ્યું કે તેમની પુત્રી સોનાલીએ તેમને યુટ્યૂબ પર પાક. પત્રકાર સજ્જાદ હૈદરે પોસ્ટ કરેલો રાવલપિંડીનો વીડિયો બતાવ્યો હતો. રીનાએ વીડિયોમાં તેમનું પૈતૃક ઘર ઓળખી કાઢ્યું. તેમણે જણાવ્યું કે હૈદરની મદદથી જ તેમને વિઝા મળ્યા. હૈદરના કહેવા મુજબ પાક.ના વિદેશ રાજ્યમંત્રી હીના રબ્બાનીએ રીનાને સ્પેશિયલ વિઝા ઇશ્યુ કર્યા.