લાહોરઃ હિન્દી ફિલ્મોમાં આપણે ઘણી વખત જોયું છે કે નાનપણમાં વિખૂટાં પડી ગયેલા ભાઇભાંડુ દસકાઓ બાદ અચાનક જ મળી જાય છે અને ભારે લાગણીસભર દૃશ્ય સર્જાય છે. ક્યારેક આવું દૃશ્ય વાસ્તવિક જીવનમાં પણ ભજવાતું હોય છે. આજથી 76 વર્ષ પહેલાં હિન્દુસ્તાનના ભાગલા પડ્યા તે વેળા વખતે વિખૂટા પડીને ભારત - પાકિસ્તાનમાં વસી ગયેલા બે પિતરાઇ ગયા રવિવારે સરહદી ક્ષેત્રમાં આવેલા કરતારપુર કોરિડોરમાં ભેગા થયા ત્યારે ભાવુક માહોલ સર્જાયો હતો. પિતરાઇ ભાઇ-બહેનની સાડા સાત દસકા પછીની આ મુલાકાત સોશિયલ મીડિયાના માધ્યમથી શક્ય બની હતી.
પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું હતું કે, મોહમ્મદ ઇસ્માઇલ અને તેમના બહેન સુરિન્દર કૌર પાકિસ્તાન અને ભારતના શહેરોમાંથી કરતારપુરના ગુરુદ્વારા દરબાર સાહિબ પહોંચ્યા હતા. ઇવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ઇટીપીબી)એ જણાવ્યું હતું કે, કરતારપુર સાહિબના વહીવટી તંત્રે ભાઇ- બહેનના ‘સ્નેહ મિલન’ને સફળ બનાવ્યું હતું. તેમને મિઠાઇ આપવામાં આવી હતી અને બન્નેએ સાથે બેસીને લંગરમાં પ્રસાદનો લાભ લીધો હતો. ઇસ્માઇલ પંજાબના સાહિવાલ જિલ્લાના છે, જે લાહોરથી 200 કિમીના અંતરે આવેલું છે જ્યારે સુરિન્દર કૌર જલંધરમાં રહે છે.
ભારત-પાક. ભાગલા પડ્યા ત્યારે ઇસ્માઇલ અને સુરિન્દર કૌરના પરિવાર જલંધર જિલ્લાના શાહકોટમાં રહેતા હતા. પાકિસ્તાનની એક પંજાબી યુટ્યુબ ચેનલે ઇસ્માઇલની કહાણી પોસ્ટ કરી હતી. તેને જોયા પછી ઓસ્ટ્રેલિયાના સરદાર મિશન સિંઘે તેનો સંપર્ક કર્યો અને ભારતમાં વિખૂટા પડેલા તેમના પરિવારના સભ્યોની માહિતી આપી. સરદાર મિશન સિંઘે ઇસ્માઇલને સુરિન્દર કૌરનો ટેલિફોન નંબર આપ્યો હતો. ભાઇ-બહેને વાત કર્યા પછી કરતારપુર કોરિડોરના માર્ગે ગુરુદ્વારા દરબાર સાહિબમાં મળવાનો નિર્ણય લીધો હતો.
ભાઇ-બહેનના મિલન વખતે ભાવુક દૃશ્યો સર્જાયા હતા. સુરિન્દર કૌર અને તેમના પરિવારના સભ્યોએ ગુરુદ્વારા ધાર્મિક વિધી કરી હતી. ઉલ્લેખનીય છે કે, કરતારપુર કોરિડોર પાકિસ્તાનના પંજાબ પ્રાંતને ભારત સાથે જોડે છે, જ્યાં ગુરુદ્વારા દરબાર સાહિબ ખાતે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવનું અંતિમ વિશ્રામ સ્થાન છે. ભારતના શીખો કોઈ વિઝા વગર ચાર કિમી લાંબા કોરિડોર દ્વારા દરબાર સાહિબની મુલાકાત લઈ શકે છે. કોરિડોર ભારતના પંજાબમાં ગુરદાસપુર ખાતે આવેલા ડેરા બાબા નાનક અને દરબાર સાહિબને સાથે જોડે છે.