ઇસ્લામાબાદઃ કાશ્મીર મામલે સમર્થન માટે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સાઉદી અરેબિયા અને યુએઇ જેવા મુસ્લિમ દેશોની મદદ માગવાની શરૂ કરી છે. જોકે આ બંને દેશોએ પાકિસ્તાનને કોઇ પણ પ્રકારની મદદ કરવાની ના પાડી દીધી હતી. પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુન એક્સપ્રેસના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, યુએઇ અને સાઉદી અરેબિયા જેવા મુસ્લિમ દેશોએ ઈમરાન ખાન જ નહીં પાકિસ્તાની સૈન્યના વડા બાજવાને પણ સલાહ આપી છે કે તે વાતચીત દ્વારા ભારત સાથેના સંબંધોને યોગ્ય દિશામાં લઇ જવાના પ્રયાસો કરે. અગાઉ અમેરિકા અને બ્રિટન તેમજ રશિયા જેવા દેશોએ પણ ઇમરાન ખાનને મદદની ના પાડી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના કાયદા મંત્રાલયે પણ ઈમરાન સરકારને જણાવ્યું છે કે કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જઇશું તો હારીશું. પાકિસ્તાનના કાયદા પ્રધાને સ્પષ્ટપણે કહ્યું છે કે, પાકિસ્તાન કાયદા મંત્રાલય માટે આ મુદ્દે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જવું શક્ય નથી. તેથી એવી શક્યતાઓ છે કે કાયદા મંત્રાલયની આ સલાહ બાદ પાકિસ્તાને હવે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જવાનું ટાળી દીધું તેવા પણ અહેવાલો છે.
ભારત સાથે યુદ્ધમાં હારી પણ જવાયઃ ઇમરાન દરમિયાન ઇમરાન ખાને ૧૫મીએ જણાવ્યું કે, કાશ્મીર મુદ્દે ભારત સાથે વાતચીત શક્ય જ નથી. જોકે યુદ્ધ થાય તો પાકિસ્તાને હારનો સામનો કરવો પડી શકે. ઇમરાને કહ્યું કે, એક વખત યુદ્ધ શરૂ થશે તો રોકવું મુશ્કેલ હશે કેમ કે બંને દેશો પાસે પરમાણુ હથિયારો છે અને પાકિસ્તાનની હાર પણ થઈ શકે જોકે પાકિસ્તાનીઓ અંતિમ શ્વાસ સુધી લડવા માટે તૈયાર છે. બંને દેશોની તણાવની સ્થિતિમાં ક્યાંય પોતાનું ધાર્યું ન થતાં ઇમરાન ખાને પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરની જનતાની ઉશ્કેરણી શરૂ કરી દીધી છે. અગાઉ કાશ્મીર અવરનો તાયફો કરનાર ઇમરાન ખાને ૧૩મીએ પીઓકેમાં કાશ્મીરીઓ પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા જાહેરસભા સંબોધીને કહ્યું કે, હું જાણું છું કે તમારામાંના ઘણા લોકોએ લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પાર કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હું તમને કહું છું કે હમણાં એલઓસી પાર જવાની જરૂર નથી, હું તમને કહું ત્યારે એલઓસી પાર કરી જજો. પહેલાં મને સંયુક્ત રાષ્ટ્રમાં જવા દો અને કાશ્મીરનો કેસ રજૂ કરવા દો.