દુબઈઃ રોજગારી માટે યુએઇ આવેલા ભારતીય ડ્રાઇવર અને તેના નવ સાથીદારોના નસીબ આડેથી પાંદડુ ખસી ગયું છે. રવિવારે થયેલા ડ્રોમાં દસ મિત્રોના આ જૂથને બે કરોડ દિરહામ (ભારતીય ચલણમાં રૂ. ૪૦ કરોડ)નો જેકપોટ લાગ્યો છે. કેરળના રણજીત સોમરાજન અબુધાબીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે અને તે છેલ્લા ત્રણ વર્ષથી ટીકિટ ખરીદતો હતો. તે મસ્જિદની સામે ઉભો હતો ત્યારે જ જેકપોટ જીતવાના સમાચાર મળતાં તે આનંદથી ઉછળી પડ્યો હતો.
સોમરાજન કહે છે કે મેં કયારેય પણ વિચાર્યું ન હતું કે હું જેકપોટ જીતી જઇશ. હું હંમેશા વિચારતો હતો કે મને બીજું કે ત્રીજુ ઇનામ લાગી જાય તો પણ ઘણું. આ વખતે બીજું ઇનામ ૩૦ લાખ દિરહામ અને ત્રીજું ઇનામ ૧૦ લાખ દિરહામનું હતું.
બે કરોડ દિરહામનો જેકપોટ જીત્યાના સમાચાર મળ્યા પછી સોમરાજન પર અભિનંદનની વર્ષા થઇ રહી છે અને તેનો ફોન સતત રણકી રહ્યો છે. તેણે જણાવ્યું હતું કે સારા પગારની નોકરી મેળવવા માટે તેને અત્યાર સુધી જીવનમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે.
સોમરાજને વધુમાં જણાવ્યું હતું કે તે ૨૦૦૮થી યુએઇમાં કામ કરી રહ્યો છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે તેણે દુબઇ ટેક્સીમાં અને અન્ય વિવિધ કંપનીઓમાં ડ્રાઇવર તરીકે નોકરી કરી છે. ગયા વર્ષે તેણે એક કંપનીમાં ડ્રાઇવર કમ સેલ્સમેન તરીકે કાર્ય કર્યુ હતું પણ ત્યાં તેનો પગાર કપાઇ જતાં તેના માટે જીવન મુશ્કેલ બની ગયું હતું.
સોમરાજને વધુમાં જણાવ્યું હતું કે અમે ૧૦ લોકો સાથે રહીએ છીએ. બીજા સાથીઓ ભારત, પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ જેવા અલગ અલગ દેશોમાંથી આવેલા છે. તેઓ હોટેલના પાર્કિંગમાં કામ કરે છે. અમે બધાએ સાથે મળીને જેકપોટની ટિકિટ બાય ટુ ગેટ વન ફ્રી ઓફર હેઠળ ખરીદી હતી. દરેકે ૧૦૦ દિરહામનો ખર્ચ કર્યો હતો.
જોકે આ ટિકિટ ૨૯ જૂને મારા નામે ખરીદવામાં આવી હતી. હું મારા સાથીઓને નસીબ અજમાવવાનું ચાલુ રાખવા કહેતો હતો. મને ખાતરી હતી કે એક દિવસ મારું નસીબ ચમકશે અને જૂઓ એવું જ થયું.