વોશિંગ્ટનઃ સંયુક્ત રાષ્ટ્રના વિવિધ શાંતિ મિશનો માટે કાર્યરત શાંતિ સૈનિકો સામે ૬૯ દેશોમાં યૌનશોષણની ફરિયાદ તાજેતરમાં નોંધાઈ છે. ખુદ યુએને શાંતિ સૈનિકોની રાષ્ટ્રીયતાના આધારે અહેવાલ રજૂ કર્યો છે. સદભાગ્યે ભારતમાંથી શાંતિ મિશનો માટે યુએનને ફાળવાયેલા એક પણ સૈનિક સામે જાતીય શોષણની ફરિયાદ નોંધાઈ નથી.
સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનોમાં જોડાયેલા દુનિયાભરના સૈન્ય જવાનો સામે ૬૯ દેશોમાં ૯૯ કેસો નોંધાયા છે. આ તમામ આરોપીઓ સામે પગલાં ભરવા માટે યુએને જે તે દેશને આદેશ આપી દીધો છે. દક્ષિણ આફ્રિકા, મોરોક્કો, કાંગો, કેમેરુન, તાન્ઝાનિયા, રવાંડાના સૈનિકો સામે સૌથી વધુ ફરિયાદ નોંધાઈ છે. આ સૈનિકો સામે તટસ્થ તપાસ કરવાની જવાબદારી જે તે દેશની સરકારે કરવાની રહેશે એવું સંયુક્ત રાષ્ટ્રના એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું છે.