વોશિંગ્ટન: અમેરિકા અને યુરોપ સહિત વિશ્વના ઘણા મોટા દેશો મંદીની ઝપટમાં છે. તેની અસર આગામી 2024 સુધી રહેશે. દુનિયાભરના શેરબજારો તેનાથી પ્રભાવિત થશે. સોનું 50 ટકા સુધી તૂટશે. જ્યારે ચીન 2011માં સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યા બાદ હવે ડાઉન ટ્રેન્ડમાં છે. આ સંજોગોમાં મૂડીરોકાણ માટે ભારત એકમાત્ર વિકલ્પ હશે. આમ કહેવું છે ફોર્ચ્યુન 100 કંપનીઓના ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ એચ. એસ. ડેન્ટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટના સંસ્થાપક હેન્રી ડેન્ટનું.
હેન્રી ડેન્ટ 1980ના દાયકામાં જાપાન, 2009માં અમેરિકી બજાર તૂટવા સાથે 2020ના દાયકામાં દુનિયાભરમાં મંદીની સચોટ ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. તેમણે ભારતના અખબારી સમૂહ ભાસ્કર ગ્રૂપ સાથે કરેલી વાતચીતમાં આ મંતવ્ય રજૂ કર્યું હતું. તેમણે કરેલી વાતચીતના અંશઃ
ડેન્ટ કહે છે કે અમેરિકા, યુરોપ, ચીનમાં મૂડીરોકાણની તકો ખતમ થઇ ચૂકી છે. આ દેશોની મોટાભાગની જનતા ઇએમઆઇ અને ક્રેડિટ કાર્ડના બિલ તળે દબાયેલી છે. તેથી ભારત જ એક એવો મોટો દેશ છે કે જે દુનિયાની ભાષા જાણે છે, ટેક્નોલોજી સમજે છે અને હજુ પણ 50 ટકા લોકો ગામડાંમાં વસે છે.
તેમણે કહ્યું કે બીજી એક મહત્ત્વની વાત એ છે કે, ભારતીયો બચત કરે છે અને દેવું કરતા ડરે છે. સરકારનું દેવું વધી રહ્યું છે, પણ લોકો દેવું કરવાનું ટાળે છે. ભારત ચીન જેવી ભૂલ ન કરે ને ગામડાંમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચાડશે તો આખી દુનિયાનો પૈસો ભારતમાં આવશે, જેના પગલે 2025થી ભારતીય શેરબજાર પૂરપાટ ઝડપે ભાગશે.