યુએસ અને યુરોપ સહિતના વિદેશી નાગરિકોમાં પણ ચારધામ યાત્રાનો ક્રેઝ

Wednesday 19th June 2024 05:14 EDT
 
 

ઋષિકેશઃ ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓએ ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી નાંખ્યાના અહેવાલ તો સહુ કોઇએ વાંચ્યા હશે. જોકે હવે અહેવાલ છે કે ચારધામ યાત્રા પ્રત્યે વિદેશી નાગરિકોમાં પણ ક્રેઝ વધી રહ્યો છે. કેદારનાથ-ગંગોત્રી સહિતના ચારેય ધામના દર્શન માટે રજિસ્ટ્રેશન કરાવનારા વિદેશી શ્રદ્ધાળુઓની પણ ભીડ વધી રહી છે.
વિદેશી નાગરિકોના આ ઉત્સાહને જોઇને સરકાર તરફથી પણ ચારધામ યાત્રાના તેમના રજિસ્ટ્રેશન માટે વિશેષ પગલા ભરાયા છે. કેદારનાથ-ગંગોત્રી સહિત ચારધામ યાત્રા માટે જૂનના પ્રથમ સપ્તાહ સુધીમાં 19,809 વિદેશી નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, અને આંકડો વધી જ રહ્યો છે. ચારધામ દર્શન માટે સૌથી વધારે રજિસ્ટ્રેશન કરાવનાર વિદેશી નાગરિકોમાં અમેરિકાના નાગરિક છે. જ્યારે સાઉદી અરબ અને અફઘાનિસ્તાનથી લઈને કતાર સુધીના યાત્રીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
આ વર્ષે 10 મે થી શરૂ થયેલી ચારધામ યાત્રામાં હજુ સુધીમાં 41 લાખ કરતા વધારે તીર્થયાત્રીઓએ દર્શન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 21 લાખ કરતા વધારે યાત્રીઓ દર્શન કરી ચૂક્યા છે. ઉત્તરાખંડ સરકારના અનુસાર દુનિયાના 109 દેશના નાગરિકોએ ચારધામ યાત્રા માટે વિવિધ માધ્યમોથી રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાં અમેરિકાના 5292, મલેશિયાના 4358, બાંગ્લાદેશના 2023, ઇંગ્લેન્ડના 1906 અને ઓસ્ટ્રેલિયાના 927 લોકો સામેલ છે. 13,527 નેપાળી નાગરિકોએ પણ ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
109 દેશના નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
ચારધામ યાત્રા માટે અમેરિકા, મલેશિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, કેનેડા, યુએઇ, સાઉથ આફ્રિકા, તાન્ઝાનિયા, બ્રાઝિલ, રશિયા, નેધરલેન્ડ્સ, ભુતાન, શ્રીલંકા, નોર્વે, ઇન્ડોનેશિયા, કુવૈત, આઇસલેન્ડ, બેલારુસ, ઇટાલી, જર્મની, થાઇલેન્ડ, હંગેરી, સ્વીડન, કતાર, અફઘાનિસ્તાન, ઇરાક, જાપાન, મેક્સિકો, ઓમાન, બહેરીન, કોલંબિયા, ઓસ્ટ્રિયા, સ્પેન, ઇરાન, પોલેન્ડ, નોર્થ કોરિયા, વેટિકન સિટી સ્ટેટ, ડેનમાર્ક, તાઇવાન, તુર્કી, સ્લોવાકિયા, ઇઝરાયેલ સહિત 109 દેશના નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter