વોશિંગ્ટનઃ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં સંભવિત વધારા સામે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે વિશ્વના ઉભરતા અર્થતંત્રોને સાવધાન રહેવા ચેતવણી આપી છે. માર્ચ ૨૦૨૨માં અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં થનારા સંભવિત વધારાની અસરોની ચિંતા તળે વૈશ્વિક બજારોએ અતયારથી પ્રત્યાઘાતો આપવાનું શરૂ કરી દીધુ છે.
અમેરિકામાં ફુગાવાના દરમાં ઝડપી વધારા અને કોરોના વાઇરસના ઓમીક્રોન વેરિઅન્ટ દ્વારા ઊભા થયેલા પડકારોની નોંધ લેતાં આઇએમએફએ જણાવ્યું છે કે, વધી રહેલા ફુગાવાના દર અને તેના પગલે જાહેર દેવામાં થઇ રહેલા વધારાના પગલે વિશ્વના ઉભરતા બજારો માટે પણ ભાવિ અનિશ્ચિત બની રહ્યું છે. ઇતિહાસ દર્શાવે છે કે જો નીતિગત વ્યાજદરો અને ફુગાવાના દરમાં મધ્યમ વધારો થાય તો ઉભરતા બજારો પર તેની અસર હળવી બની શકે છે. વ્યાજદરોમાં તબક્કાવાર વધારો સુનિયોજિત અને મજબૂત રિકવરીને ધ્યાનમાં રાખીને થવો જોઇએ. ઉભરતા બજારો તેમના ચલણોમાં અવમૂલ્યન કરી શકે છે પરંતુ વિદેશી માગ વધી રહેલા ઋણદરોના બોજાની અસરોને હળવી બનાવી શકે છે.
વિશ્વના કેટલાક ઉભરતા અર્થતંત્રોએ અત્યારથી ફેડરલ રિઝર્વના સંભવિત વ્યાજદર વધારા સામે પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. કેટલાંક તેમની આર્થિક નીતિઓમાં સમાધાન કરી રહ્યાં છે તો કેટલાંક દેવા અને ફુગાવામાં વધારાને પહોંચી વળવા આર્થિક ટેકો વધારવાની તૈયારી કરી રહ્યાં છે. આઇએમએફ કહે છે કે ઉભરતા બજારોએ તેમની સ્થાનિક સ્થિતિ અને ભયસ્થાનોને ધ્યાનમાં રાખીને પ્રત્યાઘાતી નીતિઓ તૈયાર કરવી જોઇએ.