વોશિંગ્ટનઃ ટેક્સાસ સ્થિત યુએસ ડિસ્ટ્રિક્ટ ફેડરલ જજ જે. કેમ્પબેલ બાર્કરે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં યુએસ નાગરિકને પરણનાર અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટસ માટે નાગરિકત્વનો માર્ગ સરળ બનાવતી નીતિ રદ કરી છે. બાઇડેન વહીવટી તંત્ર દ્વારા આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. ઇમિગ્રન્ટ પરિવારો માટે સહાયરૂપ બને એવા આ પગલાંમાં અમેરિકન નાગરિકને પરણનાર સાથીદારો તથા તેમના સંતાનોને દેશ છોડયા વિના જ ગ્રીન કાર્ડ માટે અરજી કરવાની છૂટ અપાઇ હતી.
જજ બાર્કરે સાતમી નવેમ્બરે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે બાઇડેન વહીવટી તંત્ર આ નીતિનો અમલ કરવામાં તેની સત્તાની મર્યાદા વટાવી જઇ સબંધિત ઇમિગ્રેશન કાયદાનું તદ્દન ખોટું અર્થઘટન કરવાની હદે ગયું છે.
આમ પણ બાઇડેન વહીવટી તંત્રનો આ કિપિંગ ફેમિલિઝ ટુગેધર કાર્યક્રમ જાન્યુઆરીમાં ટ્રમ્પ સત્તાના સૂત્રો સંભાળે તે પછી ટકી શકે તેમ લાગતું નથી, પણ આ નીતિને વહેલી રદ કરવામાં આવતાં ઇમિગ્રન્ટ પરિવારોની અનિશ્ચિતતામાં મોટો વધારો થયો છે. આ નીતિને કારણે આશરે પાંચ લાખ ઇમિગ્રન્ટ્સને ફાયદો થાય તેમ હતો.