ન્યૂ યોર્કઃ અમરિકામાં રહીને ઓનલાઈન એજ્યુકેશન મેળવતા વિદેશી વિદ્યાર્થીઓએ પોતાના વતન પાછા જવું પડશે અને આ પ્રકારનાં વિદ્યાર્થીઓના વિઝા રદ કરવા બાબતે ટ્રમ્પ સરકારે ગાઈડલાઈન બહાર પાડ્યા પછી યુએસમાં જ નામાંકિત વિદ્યાશાખાઓ, કંપનીઓ, શિક્ષણ સંલગ્ન સંસ્થાઓ તેમજ વિદ્યાર્થીઓએ કાયદેસર રીતે કોર્ટના દ્વાર ખખડાવ્યા પછી ટ્રમ્પ પ્રશાસને આ નિયમને પરત ખેંચી લીધો છે. યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ વિભાગ તરફથી કોર્ટમાં આ અંગેની માહિતી પણ રજૂ કરવામાં આવી હતી. ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયથી અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓને રાહત મળી છે. ટ્રમ્પ સરકારના નિર્ણય વિરુદ્ધ યુએસની જ હાર્વર્ડ, MIT, જોન હોપ્કિન્સ સહિત ૬૦થી વધુ શાક્ષણિક સંસ્થાઓ, ગૂગલ - ફેસબુક સહિતની ૧૦ જેટલી વિખ્યાત કંપનીઓ અને વિદ્યાર્થીઓએ કોર્ટમાં અરજી કરી હતી. એ પછી આ અંગેની સુનાવણીમાં ટ્રમ્પ પ્રશાસન તરફથી જસ્ટિસ એલીસન બરોજે કહ્યું હતું કે, સરકારે કરેલો નિર્ણય રદ કર્યો છે અને આ અંગે ચાલતી ગતિવિધિઓ પણ તાત્કાલિક બંધ કરવાની સંમતિ દર્શાવાઈ છે.
મેરિટ આધારિત ઈમિગ્રેશન કાયદો લાવીશું
ઓનલાઈન અંગેના નિયમને જાકારો મળ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ટૂંક સમયમાં મેરિટ આધારિત નવો ઈમિગ્રેશન કાયદો લાવીશું. ટૂંક સમયમાં તેને મંજૂરી મળશે. અમે ડેફર્ડ એક્શન ફોર ચાઈલ્ડહૂડ એરાઈવલ્સ પર કામ કરીશું કારણ કે, અમે લોકોને ખુશીઓ આપવા માગીએ છીએ.