વોશિંગ્ટનઃ અમેરિકામાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ વધી રહ્યો છે. દેશમાં પ્રથમ વખત અમેરિકાના અડધા એટલે કે 25 રાજ્યોનાં 40 શહેરોમાં ઓક્ટોબર મહિનાને ‘હિન્દુ હેરિટેજ મંથ’ તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ હવે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. આવી જાહેરાત કરનાર મોટા ભાગનાં રાજ્યો નેશનાલિસ્ટ રિપબ્લિકન પાર્ટીના પ્રભુત્વવાળાં છે. જ્યોર્જિયાના ગવર્નર બ્રાયન કેમ્પનું કહેવું છે કે આ પગલું અમેરિકામાં રહેતા ભારતીયોના યોગદાન પ્રત્યે સન્માનને દર્શાવે છે.
ઓક્ટોબર મહિનામાં નવરાત્રી, દશેરા અને દુર્ગાપૂજાનું આયોજન અમેરિકાનાં સંબંધિત રાજ્યોની સરકારો તરફથી કરવામાં આવશે. શ્રી સીતા-રામ ફાઉન્ડેશન આયોજનોમાં સહકાર કરશે. ટેક્સાસના દશેરા આયોજનમાં 20 દેશોના કોન્સ્યુલેટ જનરલના પ્રતિનિધિ ઇન્ટરનેશનલ પરેડમાં સામેલ થશે તેવા અહેવાલ છે. 35 કરોડની વસ્તીવાળા અમેરિકામાં ભારતીયોની સંખ્યા 44 લાખ છે.