નવીદિલ્હીઃ ભારતની વિદેશનીતિ મોટો વળાક લઈ રહી હોવાની અટકળો વેગીલી બની છે. અહેવાલ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને વેનેઝુએલા ખાતે યોજાનારી અલિપ્ત રાષ્ટ્રોનાં સંગઠન (નામ)ની બેઠકમાં ભાગ લેવા નહીં જાય. જવાહરલાલ નહેરુ અલિપ્ત સંગઠનના સ્થાપકો પૈકીના એક હતા. કહેવાય છે કે અમેરિકા સાથે નિકટતા વધતાં ભારત હવે ‘નામ’થી અંતર બનાવી રહ્યો છે. અમેરિકા અલિપ્ત ચળવળને પોતાની વિરુદ્ધની ચળવળ માને છે જ્યારે મોદી સરકારે અમેરિકાને સૌથી મહત્ત્વના વ્યૂહાત્મક સહયોગીનો દરજ્જો આપ્યો છે.
વિદેશ પ્રધાન કે ઉપરાષ્ટ્રપતિ હાજરી આપી શકે
મોદી વડા પ્રધાન બન્યા પછી પહેલી વાર અલિપ્ત રાષ્ટ્રોની બેઠક મળી રહી છે. સરકાર બેઠકમાં ભાગ લેવા વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ કે ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીને મોકલી શકે છે. ભારતની વિદેશનીતિ પર નજર રાખી રહેલાઓ નિર્ણયની પ્રતીક્ષા કરી રહ્યા છે.