વોશિંગ્ટનઃ યુએસમાં ભણવા આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ખૂબ ઝડપથી વધી છે અને છેલ્લા એક વર્ષમાં ૨૮ ટકાના વધારા સાથે ટૂંક સમયમાં સંખ્યા બે લાખ પર પહોંચી જશે, એવું ત્રીજી સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવેલા એક સત્તાવાર અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલ મુજબ અમેરિકામાં જુલાઇ સુધીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ૧૯૨૭૨૩ હતી, પરંતુ છેલ્લા એક વર્ષમાં ૨૮.૫ ટકાનો વધારો થયો છે. સંખ્યા વધી હોવા છતાં ભારતીય વિદ્યાર્થીઓ ચીનીઓની સરખામણીમાં પાછળ છે. ચીનીઓની સંખ્યા ૩૨૩૧૮૬ છે.
જોકે છેલ્લા એક વર્ષમાં અમેરિકામાં ચીની વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨.૨ ટકાનો જ વધારો થયો હતો. હાલ અમેરિકામાં ૧૧.૧ લાખ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેવું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. યુએસ ઇમીગ્રેશનના એક ભાગરૂપે તૈયાર કરાયેલા સ્ટુડન્ટ્સ એન્ડ એક્ચેન્જ વિઝિટર પ્રોગ્રામમાંથી આ માહિતી લેવાઈ હતી. સાતમી જુલાઇએ ભેગી કરવામાં આવેલી માહિતી અનુસાર, અમેરિકી શાળાઓમાં અભ્યાસ માટે આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં જુલાઇ ૨૦૧૫ સુધીમાં ૫.૫ ટકાનો વધારો થયો હતો.
ચાલુ વર્ષે જુલાઇમાં, અમેરિકામાં ૮૬૭૩ શાળાઓ હતી જ્યાં આતંરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો એટલે કે અગાઉના વર્ષની સરખામણીમાં બે ટકાનો વધારો થયો હતો.
અમેરિકામાં ભણતા આતંરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પૈકી ૪૨ ટકા એટલે કે ૪૬૭૦૦૦ વિદ્યાર્થીઓ વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સમાં અભ્યાસ કરતા હતા.