ન્યૂ યોર્કઃ અમેરિકામાં કોરોના મહામારીના લીધે નોકરી ગુમાવી ચૂકેલા લાખો લોકો નવી નોકરીની શોધમાં છે. સરકારના હાલના પ્રોત્સાહન પેકેજના કારણે દેશમાં નોકરીઓ તો વધી છે, સાથે સાથે છેતરપિંડીના કેસો પણ વધ્યા છે. ઓનલાઈન નોકરીની જાહેરાતો જોઈ અરજી કરતાં લાખો લાકો સ્કેમર્સના હાથે ઠગાઈનો ભોગ બની રહ્યા છે.
ગત વર્ષે અમેરિકામાં આશરે ૨.૫ કરોડથી વધુ લોકોએ નોકરી ગુમાવવી પડી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હતી. હાલ આશરે ૧ કરોડ લોકો નોકરીની શોધમાં છે ત્યારે આટલી મોટી સંખ્યામાં બેરોજગારો સાથે છેતરપિંડી કરવા માટે કૌભાંડીઓ સક્રિય બન્યા છે. તે લોકો બનાવટી કંપનીના માધ્યમથી લોકપ્રિય જોબ બોર્ડમાં નોકરીની જાહેરાત આપે છે. જે જોવામાં અસલ વાસ્તવિક કંપનીઓ જેવી જ દેખાય છે. લોકો તેમાં અરજી કરે છે અને બાદમાં સ્કેમર આ બેરોજગારો પાસેથી પ્રોસેસિંગના નામે ચાર્જ વસૂલે છે. અથવા તો તેમની અંગત માહિતી મેળવી બ્લેકમેઈલ કરે છે.
આ કૌભાંડીઓ ખાનગી માહિતીનો ઉપયોગ કરી નકલી પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, અને ક્રેડિટ કાર્ડ પણ બનાવે છે. અમેરિકાની સંઘીય તપાસ એજન્સીએ નોકરીની શોધ કરનારા બેરોજગારો માટે નોટિફિકેશન જારી કરી આ અંગે સર્તક કર્યા છે.
એફબીઆઈએ જણાવ્યું છે કે, સામાન્ય દિવસોની અપેક્ષાએ કોરોના કાળમાં આવા કેસોની સંખ્યામાં વધારો થયો છે. સાયબર ગુનેગારો પોતાને વાસ્તવિક એમ્પ્લોયરની જેમ રજૂ કરે છે. અરજદારોનો ઈન્ટરવ્યુ લે છે. તેમાંથી તેમની વ્યક્તિગત અને બેન્ક ખાતાની માહિતી મેળવી તેનો દુરુપયોગ કરે છે. છેતરપિંડી કરે છે. ૨૦૨૦માં ઈન્ટરનેટ ક્રાઈમ સંબંધિત આશરે ૮૦ લાખ ફરિયાદો નોંધાઈ હતી. ૨૦૧૯માં આ આંકડો ૩,૦૦,૦૦૦ હતો. ગત વર્ષે ૧૬ હજારથી વધુ લોકોને રોજગારીના નામે છેતર્યા હતા.
મહામારીના દોરમાં નવી-નવી રીતોથી ઓનલાઈન છેતરપિંડી
સુરક્ષા નિષ્ણાતોએ જણાવ્યુ હતુ કે, મહામારીના દોરમાં ઓનલોઈન છેતરપિંડીની નવી નવી રીતો જોવા મળી રહી છે. એમ્પ્લોયમેન્ટ સ્કીમ ઉપરાંત કોરોના વાયરસના ભયથી લોકોને બનાવટી પ્રોડક્ટ, સેવાઓની લાલચ આપી છેતરી રહ્યા છે. ગુનેગાર અન્ય ઉપાયોગમાં લોકોની ખાનગી જાણકારી મેળવી તેમને બ્લેકમેઈલ કરી રહ્યા છે. એફબીઆઈ તેમનો ભોગ બનેલા લોકોને પ્રોત્સાહિત કરી છે કે, તે આ કેસોનો રિપોર્ટ નોંધાવામાં ખચકાટ ન અનુભવે. તેમની મદદથી તેઓ અન્ય લોકોને આ કૌભાંડીઓના સકંજામાંથી ફસાતા રોકી શકશે.