યુએસમાં કોરોનાથી ચાર લાખથી વધુનાં મોતઃ નોર્વેમાં રસીની આડઅસરથી ૧૩નાં મોત

Tuesday 19th January 2021 15:34 EST
 
 

વોશિંગ્ટનઃ યુએસ, યુકે, ભારત સહિતના દેશોમાં કોરોના વેક્સિનેશન શરૂ થઈ ચૂક્યું છે, પણ અમેરિકા માટે ખરાબ સમાચાર એ છે કે, સોમવારે યુએસમાં કોરોનાથી મોતની સંખ્યા ૪ લાખને પાર થઈ ગઈ હતી. બીજા વિશ્વયુદ્ધમાં પણ આટલી મોટી સંખ્યામાં અમેરિકનોનાં મોત થયા નહોતાં. નેશનલ સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિનના ડીન ડો. પિટર હોટેઝે સીએનએન ટીવી ચેનલને જણાવ્યું હતું કે, કોરોનાના મામલે અમેરિકાનો મરણાંક અન્ય કોઈ દેશ કરતાં ઘણો વધારે છે અને દરરોજ હજારોની સંખ્યામાં કોરોનાના નવા કેસો નોંધાઈ રહ્યા છે. મંગળવારના અહેવાલો અનુસાર વિશ્વમાં કોરોનાનો કુલ આંક ૯૬૧૪૩૧૦૦ પહોંચી ગયો હતો અને અમેરિકાનો કુલ આંક ૨૪૬૩૨૫૧૮ થયો હતો. વિશ્વમાં કોરોનાથી મૃતકોની કુલ સંખ્યા ૨૦૫૨૭૮૦ થઈ જેમાં અમેરિકાની કુલ મૃત્યુ સંખ્યા ૪૦૮૮૬૮૭નો સમાવેશ થાય છે. વિશ્વમાં કોરોનામાંથી રિકવર થયેલા લોકોની કુલ સંખ્યા ૬૮૭૯૮૯૫૪ નોંધાઈ તેમાં ૧૪૫૫૪૨૫૭ અમેરિકનોનો સમાવેશ થાય છે. બીજી તરફ ૧.૨૨ કરોડ અમેરિકનોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે. સીડીસીના ડેટા અનુસાર હાલ દેશમાં કોરોનાની રસીના ૩૧ મિલિયન ડોઝ વિતરીત કરાયા છે.
વુહાન લેબના વૈજ્ઞાનિકોને ચીની ગુફામાં ચામાચીડિયાં કરડયાંનો દાવો
અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ દાવો કર્યો હતો કે, વિશ્વને કોરોનાની જાણ થાય તેનાં થોડાં અઠવાડિયાં પહેલાં જ ચીનનાં વુહાન લેબના વૈજ્ઞાનિકો બીમાર પડયા હતા અને તેમનામાં કોરોનાનાં લક્ષણો જણાયાં હતાં. ચીનની એક રહસ્યમય ગુફામાં વુહાનની લેબના વૈજ્ઞાનિકોને ચામાચીડિયાં કરડયાં હોવાનો દાવો પણ કરાયો છે. કેટલાક વૈજ્ઞાનિકોએ આની સનસનાટીભરી કબૂલાત પણ કરી છે. દરમિયાન, ચીનમાં કોરોનાના સતત નવા નોંધાતા કેસ વચ્ચે ઉત્તરીય ચીનમાં તિયાનજિન ડાકિઓડાઓ ફૂડ કંપનીના આઈસ્ક્રીમના કેટલાક નમૂનામાં જીવલેણ કોરોના વાઈરસ મળી આવતાં આ આઈસક્રીમ સહિત કંપનીનાં બધાં જ ઉત્પાદનો જપ્ત કરવાનું, તેના પર પ્રતિબંધ લગાવવાનું અને આઈસ્ક્રીમ ખાનારાની શોધ કરવાનું શરૂ કર્યું હતું. આ સાથે કંપનીના ૧૬૦૦થી વધુ કર્મચારીઓને ક્વોરેન્ટાઈન કરાયાં હતાં. આ ઉપરાંત ચીનમાં વૃદ્ધો માટે આરોગ્ય ઉત્પાદન વેચતા સુપરસ્પ્રેડર સેલ્સમેનને કારણે કોરોનાના ૧૦૨ કેસો નોંધાયાનું પણ જણાયું છે.
નોર્વેમાં રસીની આડઅસરથી ૧૩નાં મોત
નોર્વેમાં અમેરિકન ફાર્મા કંપની ફાઇઝર અને જર્મન કંપની બાયોએનટેકે વિકસાવેલી કોરોના રસીની આડઅસરોથી ૧૩નાં મોત થયાંનું ૧૫મીએ નોંધાયું હતું. નોર્વેજિયન મેડિસિન્સ એજન્સીએ જણાવ્યું કે, ફાઇઝરની કોરોના રસીને કારણે મૃત્યુ પામેલાઓમાં મોટાભાગના વૃદ્ધો છે.
નોર્વેજિયન મેડિસિન્સ એજન્સી સ્ટેઇનર મેડસેને નેશનલ બ્રોડકાસ્ટર એનઆરકેને જણાવ્યું હતું કે, અમે જાહેરાત કરી જ હતી કે ફાઇઝરની કોરોના રસીથી સામાન્યથી લઈને ગંભીર માંડીને આડઅસર થઈ શકે છે. આ રસીથી ૨૯ પ્રકારની આડઅસરો દેખાઈ છે.

ભારત પાડોશી દેશોને બે કરોડ ડોઝ આપશે

ભારતમાં ૧૬મીથી કોરોના વેક્સિનેશન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે ભારતે જાહેરાત કરી છે કે, તે પાડોશી દેશોને કોરોના રસીના બે કરોડ ડોઝ આપશે. આ માટે ભારત સરકારની કંપની સીરમ ઇન્સ્ટિટયૂટ અને ભારત બાયોટેક પાસેથી રસીની ખરીદી કરશે અને ભુતાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, સેશેલ્સ, માલદિવ અને મોરેશિયસને કોરોના રસી ઉપલબ્ધ કરાવશે. નેપાળની સરકારે ભારત પાસેથી સીરમ ઇન્સ્ટિટયૂટની કોવિશીલ્ડ વેક્સિન ખરીદવાનો નિર્ણય કર્યો છે. સરકારે જણાવ્યું છે કે અન્ય દેશોને કોરોના વાઇરસની રસી પહોંચાડવામાં થોડો સમય લાગી શકે છે.
૧૯મીએ જાહેર કરાયું કે, માલદિવ ભારત પાસેથી કોવિશીલ્ડ રસી મેળવનારો પહેલો દેશ બનશે. ૨૦મીએ કોવિશીલ્ડ રસીનો જથ્થો માલદિવ રવાના કરાશે અને ભારત એટલા જથ્થામાં કોરોનાની રસી મોકલી રહ્યો છે કે તેનાથી માલદિવના તમામ આરોગ્ય કર્મચારી અને સિનિયર સિટિઝનને કોરોનાની રસી અપાઇ જશે. બાંગ્લાદેશે સીરમ પાસેથી કોવિશીલ્ડના ૩ કરોડ ડોઝ ખરીદવાની જાહેરાત કરી છે. ભારતે પણ એસ્ટ્રાઝેનેકા-ઓક્સફર્ડની કોરોના રસી કોવિશીલ્ડના ૨૦ લાખ ડોઝ બાંગ્લાદેશને દાનમાં આપવાની જાહેરાત કરી છે. ભારત દાનમાં આપવાના જથ્થાને ૨૦મીએ જ બાંગ્લાદેશ રવાના કરશે. તેવું પણ ૧૯મીએ જાહેર કરાયું હતું. બીજી તરફ પાકિસ્તાન ભારતમાં બની રહેલી વેક્સિન પર આશા રાખીને બેઠું છે. તેણે ભારત અને ચીનની રસીને માન્યતા પણ આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, સિંગાપોરમાં સોમવારે શરૂ થયેલા રસીકરણમાં ૩૭૦૦૦ ઉડ્ડયન કર્મચારી અને દરિયાઈ ખલાસીઓને રસી અપાઈ હતી જેમાં મોટી સંખ્યામાં વિદેશી કર્મચારીઓનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter