વોશિંગ્ટન / નવી દિલ્હીઃ અમેરિકાનાં ગ્રીન કાર્ડનાં બેકલોગથી એક લાખથી વધુ ભારતીય બાળકો પર માતાપિતાથી વિખૂટા પડવાનું જોખમ વધી ગયું છે. અમેરિકામાં કાયમી કાનૂની રહેવાનો આધિકાર આપતા ગ્રીન કાર્ડ મેળવવા 10.7 લાખથી વધુ ભારતીયો રાહ જોઈ રહ્યા છે. અમેરિકામાં ભારતનાં કુશળ પ્રોફેશનલ્સને એમ્પ્લોયમેન્ટ આધારિત ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. જે ધરાવનાર વ્યક્તિ યુએસમાં કાયમી વસવાટ કરી શકે છે. ગીન કાર્ડ આપવાનાં પેન્ડિંગ કેસનો ભરાવો થઈ રહ્યો છે અને દરેક દેશ માટે 7 ટકા લોકોને જ દર વર્ષે ગ્રીન કાર્ડ આપવાનાં નિયમથી બેકલોગમાં વધારો થઈ રહ્યો છે. જે રીતે ગ્રીન કાર્ડ આપવાની પ્રોસેસ ચાલી રહી છે તે ધ્યાનમાં લઈએ તો હાલ પ્રતીક્ષા કરી રહેલા ભારતીયો તેમજ અન્ય દેશનાં લોકોને ગીન કાર્ડ મેળવતા 135 વર્ષ લાગી શકે છે.