નવી દિલ્હીઃ યુક્રેનથી આશરે ૨૪૨ યાત્રીઓને લઈ એર ઈન્ડિયાનું પહેલું વિશેષ વિમાન મંગળવારે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર ઉતર્યું છે. આ સાથે રશિયાની સાથે લડાઈ શરૂ થશે તેવી શક્યતા વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોએ નીકળવાનું શરૂ કરી દીધું છે.
ચાર વધુ ફ્લાઇટ ઓપરેટ થશે
આ ઉપરાંત ચાર અન્ય ફ્લાઈટ ઓપરેટ કરાશે. ભારતીય એમ્બેસીએ એડવાઈઝરી જાહેર કરી કહ્યું હતું કે કીવથી દિલ્હી માટે ચાર ફ્લાઈટ ૨૫, ૨૭ ફેબ્રુઆરી અને ૬ માર્ચે પણ ઓપરેટ થશે. રશિયાએ યુક્રેનના બે પ્રાંતને સ્વતંત્ર દેશ જાહેર કર્યા છે. રશિયાના આ પગલાં પર ભારતે ચિંતા જાહેર કરી છે.
યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં ભારતના રિપ્રેઝનટેન્ટિવ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે યુક્રેન અને તેની સરહદના વિસ્તારમાં ૨૦ હજારથી વધુ ભારતીયો રહે છે. જેમાં વિદ્યાર્થીઓ પણ સામેલ છે. આ ભારતીયોની સલામતી પ્રાથમિકતા છે.