કમ્પાલાઃ એમ કહેવાય છે કે લગ્ન પહેલા સ્વર્ગમાં નક્કી થાય છે અને પૃથ્વી પર તેને અંજામ અપાય છે. કદાય યુગાન્ડાના સ્સાલોન્ગો ન્સિકોન્નેને હબીબ સેઝિગુ અને તેની સાથે લગ્ન કરનારી સાત યુવતીઓએ પણ આવું વિચાર્યું નહિ હોય કે ખુદા તેમના પર એટલો મહેરબાન હશે કે તેમના લગ્ન એક જ દિવસે થશે. માત્ર 24 કલાકમાં સાત યુવતી સાથે લગ્નની ઘટના મોટી હેડલાઈન્સમાં ફેરવાઈ ગઈ હતી. જે સાત યુવતી સાથે હબીબે લગ્ન કર્યા તેમાંથી બે તો સગી બહેનો છે અને આ લગ્નોના પરિણામે હબીબ ઈન્ટરનેટ પર છવાઈ ગયો હતો. હબીબને તો હજુ લગ્નો કરવાની અને એઢળક બાળકો સાથે મોટો પરિવાર સંસાર વસાવવાની ઈચ્છા છે
યુગાન્ડાના મુકોનો ડિસ્ટ્રિક્ટમાં આવેલા રમણીય બુગેરેકા ગામમાં રવિવાર, 10 સપ્ટેમ્બર 2023ના દિવસે આ લગ્નો થયાં હતાં. હબીબની સાત પત્નીઓના નામ મરિઅમ, મદિનાહ, આયેશા, ઝૈનાબુ, ફાતુમા, રશિદા અને મુસાન્યુસા છે. આમાંથી, મુસાન્યુસા પહેલી પત્ની છે અને સાત વર્ષથી તેની પડખે રહેલી છે.
ફેસબૂક પર અનોખી લગ્નવિધિની વિગતો જાહેર કરવામાં આવી હતી તે અનુસાર સવારે 8 વાગ્યાથી વિધિ શરૂ થઈ હતી અને થનાર વધૂઓ સ્થાનિક સલોન્સમાં શણગાર સજવા પહોંચી હતી. આ પછી તેમને સુપર કસ્ટમ વાન્સમાં લગ્નસ્થળે લઈ જવાઈ હતી. દરેક વાનની ખાસ લાયસન્સ પ્લેટ પર તે નવવધૂનું નામ લખાયેલું હતું. આ પછી, હબીબે દરેક નવવધૂ સાથે લગ્નની પ્રતિજ્ઞાઓની આપ-લે કરી હતી. 40 કાર અને 30 મોટરબાઈક્સ સાથે વિશાળ જૂલુસ યોજાયું હતું. આ સવારી નાકિફુમા, કાસાના અને કાલાગી ટાઉન્સમાં ફરતી આગળ વધી હતી અને હબીબ સાત પત્નીઓ સાથે પોતાના ઘેર પહોંચ્યો ત્યારે સાંજના 6 વાગી ગયા હતા.
નવવિવાહતોનો કાફલો માર્ગ પરથી પસાર થયો ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો. માર્ગની બંને તરફ લોકો મોટી સંખ્યામાં ઉભા રહી ગયા હતા અને આવો નેંધપાત્ર લગ્નપ્રસંગ પ્રથમ વખત નિહાળ્યાનો અનુભવ માણતા હતા. કેટલાકને તો આ લગ્નો સાચા નહિ હોવાનું લાગ્તું હતું.
હબીબે સાત નવવધૂને મોંઘી કારની ગિફ્ટ આપી
પરંપરાગત આફ્રિકન પદ્ધતિથી લોકોની સારવારનું કામ કરતા હબીબે પોતાની સાથે લગ્ન કરનાર યુવતીઓના માતા પિતાને ભેટ સોગાદો આપવા ઉપરાંત, પોતાની તમામ સાત પત્નીઓને એક મોંઘી અને નવીનક્કોર કારની ગિફ્ટ પણ આપી હતી. સ્વાભાવિક રીતે જ આવી મોંઘેરી કાર મેળવીને નવવધૂઓ ભારે ઉત્સાહિત હોય.
યુગાન્ડામાં ઈસ્લામિક અને પરંપરાગત રીતે પણ બહુપત્નીત્વ સામાન્ય અને કાયદેસર છે. જોકે, શહેરી વિસ્તારની સરખામણીએ ગ્રામીણ વિસ્તાર તેમજ ખ્રિસ્તીઓ કરતાં મુસ્લિમોમાં વધુ પ્રચલિત છે. હબીબના પિતા હાજી અબ્દુલ સ્સેમાકુલા કહે છે કે તેમના પરિવારમાં બહુપત્નીત્વની પ્રથા ચાલતી આવી છે. હાજીએ ચાર લગ્ન કરેલા છે તો તેના દાદાએ છ લગ્ન કર્યા હતા.