નાઈરોબીઃ યુગાન્ડાની મેરેથોન દોડવીર અને પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ 44મો ક્રમ હાંસલ કરનારી 33 વર્ષીય રેબેકા ચેપટેગેઈનું તેના પૂર્વ કેન્યન બોયફ્રેન્ડ ડિક્સન નેડિમા મારાંગાચે રવિવાર 2 સપ્ટેમ્બરે પેટ્રોલ છાંટી જીવતી જલાવી દીધા પછી 5 સપ્ટેમ્બરે હોસ્પિટલમાં જ મોત થયું હતું. લગભગ 80 ટકા દાઝી ગયેલી રેબેકાને વધુ સારવાર માટે નાઈરોબી લઈ જવાનું શક્ય બન્યું ન હતું. રેબેકા અને ડિક્સન વચ્ચે જમીનની સંપત્તિ બાબતે બોલાચાલી થયા બાદ આ ઘટના બની હોવાનું કહેવાય છે. પેરિસના મેયર એન હિડાલ્ગોએ ઓલિમ્પિયન રેબેકાને સન્માન આપવા તેનું નામ પેરિસના એક સ્પોર્ટ્સ સ્થળને આપવાની જાહેરાત કરી છે. યુગાન્ડા અને કેન્યાના સ્પોર્ટ્સ ફેડરેશનોએ આ ઘટનાને વખોડી કાઢી હતી.
રેબેકા ચેપટેગેઈએ પ્રથમ વખત 19 વર્ષની વયે 2010ની વર્લ્ડ ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપમાં યુગાન્ડાનું અંડર-19 સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કર્યું હતું. રેબેકા ચેપટેગેઈ કેન્યાની ટ્રાન્સ એનઝોઈઆ કાઉન્ટીના એન્ડેબેસ ખાતે રહેતી અને તાલીમ લેતી હતી. રેબેકા તેની બે દીકરી સાથે ચર્ચમાંથી પાછી ફરી રહી હતી ત્યારે પૂર્વ બોયફ્રેન્ડ ડિક્સન સાથે બોલાચાલી થઈ હતી. પોલીસ રિપોર્ટ અનુસાર ડિક્સને હુમલો કરી રેબેકા પર પેટ્રોલ છાંટ્યું હતું અને તેને સળગાવી દીધી હતી. રેબેકાની પુત્રીઓએ આ હુમલાની પુષ્ટિ કરી હતી. આગની જ્વાળાને બુઝાવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ, સફળતા મળી નહિ અને તેનું શરીર 80 ટકા દાઝી ગયું હતું.