લંડન, કમ્પાલાઃ યુગાન્ડામાં હિંસક બનેલી ચૂંટણીના પરિણામો જાહેર થવા સાથે ૭૧ વર્ષીય પ્રમુખ યોવેરી મુસેવેની સતત પાંચમી મુદત માટે પ્રમુખપદે આસીન થયા છે. મુસેવેનીએ ૯.૭ મિલિયન નખાયેલા મતમાંથી ૬૦ ટકાથી વધુ મત હાંસલ કરી અભૂતપૂર્વ વિજય મેળવ્યો છે. મુસેવેનીએ પરિણામો પછી દેશમાં અશાંતિ સર્જનારાઓ સામે કડક હાથે કામ લેવાની ચેતવણી પણ આપી હતી. જોકે, યુએસએના વિદેશ વિભાગે દીર્ઘકાલીન સાથી મુસેવેનીના વિજયની વિશ્વસનીયતા બાબતે પ્રશ્ન ઉઠાવ્યો હતો. યુએસએ દ્વારા જણાવાયું હતું કે આ ચૂંટણી ગેરરીતિઓ અને સત્તાકીય વર્તણૂકના અહેવાલોથી ખરડાઈ છે, જે આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસંગત નથી. મુસેવેનીના મુખ્ય હરીફ ૫૯ વર્ષીય કિઝા બેસિગ્યેની ગત બે સપ્તાહમાં ત્રણ વખત ધરપકડ કરાઈ હતી અને તેઓ વાસ્તવમાં નજરકેદ હેઠળ જ છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા માર્ક ટોનરે બેસિગ્યેને તત્કાળ મુક્ત કરવા હાકલ કરી હતી.
ચૂંટણી ધાકધમકીપૂર્ણ વાતાવરણમાં યોજાઈ
અગાઉથી ટીક કરાયેલા મતપત્રો, મતખરીદી, સોશિયલ મીડિયાનો બહિષ્કાર અને પોલીસના ખરાબ વર્તન સહિતની ફરિયાદો જોવા મળી હતી. યુરોપિયન યુનિયન ઓબ્ઝર્વર મિશને જણાવ્યું હતું કે ચૂંટણી ધાકધમકીપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી અને પ્રમુખ દ્વારા નિયુક્ત ઈલેક્શન કમિશન પાસે આઝાદી અને પારદર્શિતાનો અભાવ હતો. મુસેવેનીએ પ્રી-ઈલેક્શન ચર્ચામાં તેમના ટીકાકાર રેડિયો સ્ટેશનનોનો અવાજ દાબી દીધો હતો અને વિપક્ષનો દબદબો ધરાવતા વિસ્તારોમાં ચૂંટણીના દિવસે મોડાં મતપત્રો મોકલાયાં હતાં.
ઈસ્ટ આફ્રિકન દેશ યુગાન્ડામાં છેક ૧૯૮૬થી શાસન ચલાવતા મુસેવેનીએ પદત્યાગ પછી પશુઓ ચરાવવાની જિંદગીમાં પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મુસેવેનીના તબીબ બેસિગ્યે ૧૯૯૯માં તેમનાથી છૂટા પડી ગયા હતા. મુસેવેનીએ ચેતવણી આપી હતી કે, ‘પરિણામો સામે હિંસક પ્રત્યાઘાતોને સખત હાથે દબાવી દેવાશે. યુગાન્ડામાં શાંતિ જાળવવા નરમ અને કડક ઉપાયો પણ હાથ ધરવામાં આવશે. અશાંતિ સર્જનારાઓ સામે કડક પદ્ધતિઓ પણ કામે લગાવાશે.
મુસેવેનીએ ગેરરીતિની ટીકાઓ ફગાવી
આ વિજયે સૌથી લાંબો સમય સત્તા પર રહેનારા પાંચમા આફ્રિકન નેતા તરીકે મુસેવેનીની સ્થિતિ મજબૂત બનાવી છે. યુરોપિયન અને કોમનવેલ્થ ચૂંટણી નિરીક્ષકોની ટીકાઓ ફગાવતા મુસેવેનીએ કહ્યું હતું કે ‘મારા કોઈના લેકચરની જરૂર નથી. આ યુરોપિયનો કદી ગંભીર નહોતા. મુસેવેનીએ એક વખત કહ્યું હતું કે આફ્રિકાની સમસ્યાઓનું મૂળ લાંબો સમય શાસન કરનારા પ્રમુખો છે અને હવે તેઓ પાંચમી મુદ્ત પર આવી રહ્યા છે ત્યારે તેમણે કોઈ શરમ અનુભવી ન હતી અને પોતાના પગલાંઓને રાષ્ટ્રીય સુરક્ષાની ભૂમિકા અંગે વાજબી કરાવ્યા હતા. સોશિયલ મીડિયાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કેટલાક લોકો આ માર્ગોનો દૂરપયોગ કરે છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે આ સેન્સરશિપને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારના ભંગ સમાન ગણાવી હતી.
યુગાન્ડાના મતદારો પર દળોનો ગોળીબાર
યુગાન્ડાના સૈનિકોએ અગાઉથી ટીક કરેલી વોટિંગ સ્લિપ્સ અને મતમથકોમાં ૧૦ કલાક સુધી લાંબી લાઈનોમાં ઊભા રહીને કંટાળેલા મતદારો દ્વારા વિરોધ કરાતાં ગોળીબાર કર્યો હતો. આ ચૂંટણી ૧૯૬૨ પછી સૌથી વધુ કસોકસની ચૂંટણી મનાઈ હતી. ૩૦ વર્ષો સુધી યુગાન્ડા પર શાસન કરનારા પ્રમુખ મુસેવેનીના મુખ્ય સ્પર્ધક કિઝા બેસિગ્યેએ ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપના પ્રયાસ કરવા બદલ ધરપકડ કરાઈ હતી. પ્રમુખ મુસેવેનીએ ટ્વિટર, ફેસબુક અને તત્કાળ મેસેજિંગ એપ વોટ્સએપને બ્લોક કરાવી દીધા હતા. જેનાથી પ્રચાર અભિયાનના મુખ્ય સાધન તરીકે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહેલા વિપક્ષના સમર્થકો રોષે ભરાયા હતા.
સૌથી સ્પર્ધાત્મક ચૂંટણી
મતદાન અગાઉ નિરીક્ષકોએ આ ચૂંટણીને મુસેવેનીની સૌથી સ્પર્ધાત્મક ચૂંટણી ગણાવી હતી. જાન્યુઆરી મહિનામાં થયેલા અભિપ્રાય મતદાનમાં મુસેવેનીને કુલ મતના ૫૧ ટકા મળ્યા હતાં. જ્યારે બેસિગ્યેને ૩૨ ટકા તેમજ પૂર્વ વડાપ્રધાન અમામા મ્બાબાઝી માત્ર ૧૨ ટકા સાથે સૌથી પાછળ હતાં. ચૂંટણીઓ હંમેશાં અવિશ્વસનીય હોવાથી મુસેવેનીએ કોઈ ચાન્સ લીધાં નહતા અને વિપક્ષની રેલીઓને ખોરંભે પાડવા માત્ર પોલીસમેન નહીં પરંતુ હજારો બેરોજગાર યુવાનોની ભરતી પણ સરકારે કરી હતી. ક્રાઇમ પ્રિવેન્ટર્સ તરીકે ઓળખાવાયેલા આ લોકોએ વિપક્ષના રાજકારણીઓ અને તેમના સમર્થકોને હેરાન પરેશાન કરી મૂક્યાં હતાં.
મુસેવેની અને તેમના નેશનલ રેઝીસ્ટન્સ મૂવમેન્ટ પાસે નાણાકીય જોડતું નવેમ્બર અને ડીસેમ્બરમાં પ્રચાર અભિયાનમાં ૨૭ બિલિયન યુગાન્ડન શિલિંગ્સ (૭.૯ મિલિયન ડોલર) ખર્ચ કરવામાં આવ્યા હતાં. જે આ મહિનાઓમાં તમામ ઉમેદવારોના ખર્ચના ૯૧.૬ ટકા જેટલાં હતાં.
----------------------
મુસેવેનીના નેતૃત્વમાં યુગાન્ડાની હરણફાળ
વડા પ્રધાન ડેવિડ કેમરનના યુગાન્ડા અને રવાન્ડા માટેના ટ્રેડ એન્વોય લોર્ડ પોપટે મુસેવેનીના વિજયને આવકાર્યો હતો તેમણે કહ્યું હતું કે પ્રમુખ મુસેવેનીના નેતૃત્વમાં યુગાન્ડાએ તાજેતરના વર્ષોમાં હરણફાળ ભરી છે. આર્થિક, લોકશાહી અને સામાજિક દૃષ્ટિએ વિકાસ પામવાની યુગાન્ડા પાસે વિશાળ ક્ષમતા છે અને આપણા બંને રાષ્ટ્રો માટે વધુ સમૃદ્ધિ હાંસલ કરવાના ધ્યેયમાં નવી સરકાર સાથે કામ કરવા હું આતુર છું.
ગયા વર્ષે યુગાન્ડાએ વર્લ્ડ બેંક ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્ષમાં ૧૩૫માં સ્થાનેથી આગળ વધી ૧૨૨મું સ્થાન હાંસલ કર્યું હતું તે ઈસ્ટ આફ્રિકામાં પ્રાદેશિક ઐક્યના માર્ગે નેતૃત્વમાં મદદ કરી રહ્યું છે. એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રકચર માર્કેટ્સમાં તેમના ફોકસ અને બ્રિટનના કૌશલ્ય સાથે અમારી સાથે આર્થિક તકોની નવી પેઢીના સર્જન માટે કામ કરવાની સાચી સંભાવના રહેલી છે. યુગાન્ડામાં બિઝનેસ કરી રહેલા મારા મિત્રોને જ્યારે હું મળું છું. ત્યારે તેઓ ત્યાં થઈ રહેલાં આર્થિક પરિવર્તનો અંગે ઘણાં આશાવાદી જણાયા હતાં. હું એ બાબત ચોક્કસ છું કે અગામી દાયકાઓમાં યુગાન્ડાવાસીઓ બ્રિટીશ માલસામાન અને સેવાઓનો ઉપયોગ કરતાં રહેશે.
------------------
જાફર કપાસી OBE,એકાઉન્ટન્ટ એન્ડ બિઝનેસ એડવાઇઝર
જે.એ. કપાસી એન્ડ કંપની લિમિટેડના જાફર કપાસીએ યુગાન્ડાની ચૂંટણી અંગે પ્રતિભાવ આપતા કહ્યું હતું કે પ્રમુખ મુસેવેનીની છેલ્લા ૩૦ વર્ષથી દેશનું નેતૃત્વ કરી રહ્યાં છે અને ચૂંટણી ના પરિણામો ૬૨ ટકાના વિજય સાથે અભૂતપૂર્વ છે જે તેમના માટે સંપૂર્ણ બહાલીરૂપ છે. હું માનું છું કે ચૂંટણીમાં લોકશાહી પ્રક્રિયાનું સંપૂર્ણ અનુસરણ કરાયું છે. પ્રમુખ મુસેવેની હંમેશાથી યુગાન્ડાના એશિયન બિઝનેસ કોમ્યુનિટીને પાછી લાવવા પ્રયાસ કરી રહ્યા છે. તેઓ નિસડન ટેમ્પલ પણ આવ્યા હતા અને લેસ્ટરની બે મુલાકાતો પણ લીધી હતી. પોતાની આ કટિબદ્ધતા પ્રદર્શિત કરવા તેમણે નિમિશાબેન માધવાણીને ભારતમા હાઈકમિશનર અને હવે ફ્રાંસ / સ્પેનમાં નિયુક્ત કર્યા હતા.માધવાણી પરિવારે યુગાન્ડામાં મોટા પાયે પુનઃ રોકાણો કર્યા છે અને તે પછી મહેતા ગ્રૂપ, આગાખાન અને સંખ્યાબંધ ભારતીય કંપનીઓ રોકાણમાં આગળ આવી હતી. મુમતાઝ કાસમ ઇટાલીના એલચી નિયુક્ત કરાયા છે.મને મિડલેન્ડસમાંથી વધુ ઇન્વેસ્ટમેન્ટ આકર્ષવાની કામગીરી સોંપાઈ છે. યુગાન્ડા ઈન્વેસ્ટમેન્ટ માટે સારુ સ્થળ છે અને બીજુ ટ્રેડ ડેલીગેશન યુગાન્ડા લઈ જવાની હું આશા રાખું છું.
---------------------
યુગાન્ડામાં એશિયનોનું ભાવિ સલામત
ડો. સુધીરભાઈ રુપારેલિયા, રુપારેલિયા ગ્રૂપ ઓફ કંપનીઝના ચેરમેન.
ડો. સુધીરભાઈ રુપારેલિયાએ પ્રમુખ મુસેવેનીના વિજય અંગે પ્રતિભાવ આપતા કહ્યું હતું કે યુગાન્ડાની પ્રજાએ એનઆરએમની સરકારને શાસનમાં લાવતું મતદાન કર્યું છે. સરકારે તમામ યુગાન્ડાવાસીઓની પ્રોપર્ટીની રક્ષણ કરવાની ભગીરથ કામગીરી બજાવી છે અને કોઈ લૂંટફાટ થઈ નથી. યુગાન્ડામાં યુગાન્ડાયન એશિયનોનું ભાવિ સલામત છે કારણ કે સરકાર મુખ્યત્વે ભારતીય એવા રચનાત્મક ઇન્વેસ્ટરોની કદર કરે છે. યુગાન્ડાના એશિયનો દ્વારા તમામ ટેક્સીસમાં ૬૦ ટકાનો ફાળો એશિયનો આપે છે.