કમ્પાલાઃ યુગાન્ડામાં હજારો નર્સ વિદેશમાં નોકરી માટેની તક શોધ્યા કરે છે. આ નર્સીસ દેશના હેલ્થ વર્કફોર્સમાં જોડાતી નથી. જેના પરિણામે યુગાન્ડામાં પણ નર્સીસની અછત સર્જાઈ છે. યુગાન્ડામાં દર વર્ષે આશરે 5,000 નર્સ કામકાજ માટે બહાર આવે છે. આમાંથી માત્ર 2,000 જેટલી નર્સ સરકારી હોસ્પિટલ્સમાં કામે જોડાય છે. યુગાન્ડા નર્સીસ એન્ડ મીડવાઈવ્ઝ યુનિયનના કહેવા મુજબ દેશમા નર્સીસ સરપ્લસ છે. હેલ્થ સેક્ટરમા 40,000 નર્સીસની જરૂર રહે છે પરંતુ, વેતન ઓછાં હોવાથી નર્સીસ નોકરીમાં જોડાતી નથી. આમ, સ્ટાફની અછત હોવાં છતાં, હેલ્થ પ્રોફેશનલ્સને વિદેશમાં કામ શોધતા અટકાવી શકાતા નથી. વિદેશમાં યુગાન્ડાની નર્સીસની માગ બમણી થઈ છે.
યુગાન્ડાના હેલ્થ મિનિસ્ટર ડો. જેન રુથ એસેન્ગના કહેવા મુજબ યુગાન્ડા સહિતના આફ્રિકન દેશોમાંથી વર્કફોર્સ અન્ય દેશોમાં જતો રહે છે. યુગાન્ડામાં 10,000 ની વસ્તીએ માત્ર 2 ડોક્ટર્સ હોય છે છતાં તેમને માઈગ્રેટ થતા રોકી શકાતા નથી. યુગાન્ડામાં નર્સીસ સહિત મેડિકલ વર્કર્સના વિદેશ જતા રહેવાથી દેશમાં વધી રહેલી પેશન્ટ્સની સંખ્યાને સારસંભાળ પૂરી પાડવાની તકલીફ પણ વધી છે. દેશમાં બેરોજગાર હેલ્થ પ્રોફેશનલ્સની સંખ્યા વધી રહી છે અને અન્ય ઘણા દેશો તેમને બોલાવી રહ્યા છે. યુકે, યુએસએ, કેનેડા, ઈટાલી સહિતના દેશોમાં નર્સીસ અને ડોક્ટર્સની ભારે અછત છે.
બીજી તરફ, યુગાન્ડામાં હેલ્થ પ્રોફેશલ્સ સામે અનેક પડકાર હોવાં છતાં, નર્સિંગ સ્કૂલ્સમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સખ્યા વધી રહી છે. મુલાગો ટ્રેનિંગ સ્કૂલ ફોર નર્સીસ એન્ડ મીડવાઈવ્ઝના પ્રિન્સિપાલના કહેવા અનુસાર તેઓ પ્રવેશ ઘટાડવા માગતા નથી કારણકે દેશને નર્સીસની જરૂર છે.