કંપાલાઃ યુગાન્ડામાં સામાન્ય ચૂંટણીને થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે પોલીસ અને વિપક્ષના સમર્થકો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. પોલીસે પ્રમુખપદના અગ્રણી ઉમેદવાર અને ફોરમ ફોર ડેમોક્રેટિક ચેન્જ પાર્ટીના વડા કીઝા બેસીગ્યને બે વખત અટકમાં લીધા પછી પરિસ્થિતિ હિંસક બની હતી. અથડામણમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને સંખ્યાબંધને ઈજા પહોંચી હતી. પથ્થરમારો કરી રહેલા દેખાવકારોને શાંત પાડવા પોલીસે ગોળીબાર અને ટીયરગેસનો આશરો લીધો હતો. કંપાલામાં હજારો સમર્થકો સાથે રેલીમાં ઉતરેલા બેસીગ્યેને પકડી લેવાયા હતા અને પાછળથી મુક્ત કરાયા હતા.
કંપાલના પોલીસ પ્રવક્તાએ એક વ્યક્તિના મોતને સમર્થન આપ્યું હતું. વિપક્ષી નેતાઓએ ગોળીબારથી ત્રણ વ્યક્તિના મોત થયાનું કહ્યું હતું. એફડીસીના પ્રવક્તા સેમુજ્જુ ન્ગાન્ડાએ કહ્યું હતું કે પોલીસ સાથેની અથડામણમાં તેમના પક્ષના ઘણા ટેકેદારોને ઈજા થઈ હતી. અમારા ઉમેદવારને નિશાન બનાવવા બદલ અને સમર્થકો તરફ પોલીસ ક્રૂરતાનો અમે સખત વિરોધ કરીએ છીએ.
પ્રમુખપદ અને સંસદિય ચૂંટણીઓના ત્રણ દિવસ અગાઉ હિંસા ફાટી નીકળી હતી. કંપાલા સેન્ટ્રલ માટેના એફડીસીના સંસદિય ઉમેદવાર કોલીન નાનટોંગોએ કહ્યું હતું કે આગામી ચૂંટણીઓ ઉપર આ હિંસાની ઘેરી છાયા પડશે. પોલીસ આમ કરી રહી હોય ત્યારે ન્યાયી ચૂંટણી કેવી રીતે થાય. એફડીસીનું સમર્થન ધરાવતા જેમ્સ માગારાએ કહ્યું હતું કે પોલીસ કાર્યવાહીથી ચૂંટણી મુક્ત અને ન્યાયી હોવા વિશે શંકા જાગે છે. યુગાન્ડામાં લોકશાહી નથી અને હવે સમગ્ર વિશ્વની તેના પર નજર છે. મુસેવેની હારવા માગતા નથી તેથી અમારી પાછળ પોલીસ છોડે છે. પરંતુ હવે અમે પાછા નહીં હઠીએ.