ઈસ્લામાબાદઃ ભારત સાથેના રાજકીય તણાવ વચ્ચે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ૨૭મીએ દેશજોગ સંબોધન કર્યું હતું. તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, પુલવામાં હુમલા અંગે પાકિસ્તાન આજે પણ ભારત સાથે ચર્ચા અને વાર્તાલાપ કરવા માટે તૈયાર છે. અમે આ માટે ભારત સામે ફરીથી ચર્ચાનો પ્રસ્તાવ પણ મૂકીએ છીએ. જોકે તાજેતરમાં વળતા એર હુમલા પછી પાકિસ્તાને એવું પણ કહ્યું કે, અમે એ ભારતને બતાવી દેવા માગતા હતા કે અમારી સેનામાં પણ દમ છે. જોકે એનો અર્થ એ નથી કે યુદ્ધ ઈચ્છીએ છીએ. તેમણે પહેલાં અને બીજા વિશ્વયુદ્ધ અંગે જણાવ્યું કે, એક વખત યુદ્ધ શરૂ થઈ જાય પણ ક્યારે પૂરા થાય તેની કોઈ સમયમર્યાદા હોતી નથી. આવા યુદ્ધ અટકાવવા કોઈના હાથમાં નથી. ભૂતકાળમાં યુદ્ધ શરૂ થયા ત્યારે ખબર નહોતી કે તે કયાં સુધી જશે. પહેલું વિશ્વયુદ્ધ મહિનાઓમાં પૂરું થવાનું હતું, પણ તેનો અંત આવતા છ વર્ષ લાગી ગયા.
યુદ્ધ ગણતરીઓ ખોટી પાડે
પાકિસ્તાનના વડા પ્રધાને વધુમાં જણાવ્યું કે, ઇતિહાસ સાક્ષી છે કે, યુદ્ધોમાં આપણે એકબીજા વિશે જે ગણતરીઓ માંડીએ છીએ તે ખોટી પડે છે. જે હથિયારો અમારી પાસે કે તમારી પાસે હોય છે તેની યોગ્ય ગણતરી માંડવી શક્ય છે. તેની ગણતરીમાં ભૂલ થવાનું જોખમ લેવા કોઈ તૈયાર હોતું નથી. અમે ભારત સાથે આતંકવાદ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયારી છીએ. કોઈપણ મુદ્દો હોય તેનો ઉકેલ વાતચીતથી લાવવો જોઈએ.
પાકિસ્તાને કિસમેં કિતના હૈ દમના બણગા પણ માર્યા
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાનની સેનાએ જોકે ફરી એકવાર ખોટો દાવો કર્યો છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આશિફ ગફુરે ૨૭મીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનનાં યુદ્ધવિમાનોએ ભારત પર સંખ્યાબંધ વિસ્તારોમાં બોંબમારો કર્યો છે. અમે ભારતને બતાવી દેવા માગતા હતા કે અમારી સેનામાં પણ દમ છે.
આસિફ ગફુરે જણાવ્યું હતું કે, અમે અમારા હુમલામાં પ્રયાસ કર્યો હતો કે કોઈને નુકસાન ન પહોંચે. આ માટે અમે ૬ ટાર્ગેટ નક્કી કર્યા હતા. ત્યારબાદ અમે હુમલો કર્યો હતો. અમે બિમ્બરગરી સહિત ઘણા વિસ્તારોને લક્ષ્યાંક બનાવ્યા હતા. અમે ફક્ત એ બતાવી દેવા માગતા હતા કે અમે પણ બધું કરી શકીએ છીએ, પરંતુ વિસ્તારમાં શાંતિ જળવાય તે માટે આક્રમક વલણ અપનાવતા નથી.
મેજર જનરલ ગફુરે જણાવ્યું હતું કે, અમે યુદ્ધ નહીં પરંતુ શાંતિ ઇચ્છીએ છીએ. પાકિસ્તાનના હુમલા પછી ભારતાં બે યુદ્ધવિમાન એલઓસી પર પાકિસ્તાનની સરહદમાં ઘૂસી આવ્યાં હતાં.
ભારત-પાકિસ્તાન પાસેનાં શસ્ત્રોની સરખામણી
દુશ્મન દેશ કરતાં વધુ લશ્કરી તાકાત ધરાવતું ભારત યુદ્ધ માટે તો સજ્જ છે જ, પણ ઓછાં માનવબળ સાથે પાકિસ્તાન લશ્કરી ક્ષેત્રે પણ હિંદુસ્તાન સામે અસક્ષમ છે!
ભારત પાકિસ્તાન
કુલ લોકસંખ્યા ૧૩૦ કરોડ ૨૧ કરોડ
માનવબળ ૬૧૬,૦૦૦,૦૦૦ ૯૫,૦૦૦,૦૦૦
સક્રિય સૈન્ય બળ ૧,૩૨૫,૦૦૦ ૬૨૦,૦૦૦
સક્રિય મિલિટરી રિઝર્વ્સ ૨,૧૪૩,૦૦૦ ૫૧૫,૦૦૦
એરક્રાફ્ટ (તમામ પ્રકારના) ૨,૦૮૬ ૯૨૩
હેલિકોપ્ટર્સ ૬૪૬ ૩૦૬
એટેક હેલિકોપ્ટર્સ ૧૯ ૫૨
એટેક એરક્રાફ્ટ (ફિક્સ વિંગ) ૮૦૯ ૩૯૪
ફાઈટર એરક્રાફ્ટ ૬૭૯ ૩૦૪
ટ્રેનર એરક્રાફ્ટ ૩૧૮ ૧૭૦
ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ૮૫૭ ૨૬૧
સર્વિસેબલ એરપોર્ટ્સ ૩૪૬ ૧૫૧
ટેન્ક ક્ષમતા ૬,૪૬૪ ૨,૯૨૪
તોપખાના ૭,૪૧૪ ૩,૨૭૮