યુદ્ધના વિનાશ વચ્ચે આશાનો સંચાર રશિયા-યૂક્રેન લશ્કરી સંઘર્ષમાં ઇઝરાયલની મધ્યસ્થી

Thursday 17th March 2022 05:20 EDT
 
 

કીવ: યૂક્રેનમાં યુદ્ધ ખતમ કરવા રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે સંઘર્ષવિરામ માટે બેઠક તો ચાલે છે, પણ કોઇ ઉકેલ આવતો નથી. જોકે બન્ને પક્ષના નેતાઓ સંઘર્ષવિરામ અંગે હકારાત્મક અભિગમ ધરાવે છે તે આશાનું કિરણ છે. અલબત્ત, એક તરફ મંત્રણા ચાલી રહી છે તો બીજી તરફ રશિયાના યૂક્રેન પરના હુમલા સતત ૨૦મા દિવસે પણ ચાલુ જ છે. યૂક્રેન ખેદાનમેદાન થઇ રહ્યું છે, પણ રશિયન સેનાની નરમાઇના કોઇ સંકેત નથી. આ ઓછું હોય તેમ રશિયાએ અમેરિકા સામે વધુ આક્રમક અભિગમ અપનાવતાં પ્રમુખ જો બાઇડેન ઉપરાંત અમેરિકી વિદેશ પ્રધાન, સંરક્ષણ પ્રધાન, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અને સીઆઇએના વડા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ દરમિયાન ત્રણ યુરોપિયન દેશ પોલેન્ડ, ચેક રિપબ્લિક અને સ્લોવેનિયાના વડા પ્રધાનો જેલેન્સ્કીને મળવા યૂક્રેન પહોંચી રહ્યા છે. તો યૂક્રેનના પ્રતિનિધિઓએ માહિતી આપી છે કે, યુદ્ધનો અંત લાવવા ઈઝરાયલ મધ્યસ્થી કરશે. આશા છે કે, આ મધ્યસ્થીથી બંને દેશ વચ્ચે યુદ્ધ અટકવાની શક્યતા છે. ઈઝરાયલના પ્રમુખ નફ્ટાલી બેનેટે બંને દેશ વચ્ચે મધ્યસ્થી કરવાની રજૂઆત કરી હતી. રશિયન મીડિયાએ દાવો કર્યો હતો કે, પ્રમુખ જેલેન્સ્કી દરેક મુદ્દે વાત કરવા તૈયાર છે. આ પહેલા પણ ત્રણ બેઠક થઈ ચૂકી છે. જેલેન્સ્કીએ ઈઝરાયલની રાજધાની જેરુસલેમમાં રશિયન પ્રમુખ પુતિનને મળવા પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ શહેર યહૂદી અને ખ્રિસ્તીઓ માટે પવિત્ર છે. જેલેન્સ્કી પણ યહૂદી છે. એટલે ઇઝરાયલ આ મામલામાં તટસ્થ રહીને ભૂમિકા નિભાવી શકશે એવું કેટલાક નિષ્ણાંતો પણ માને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter