ન્યૂ યોર્કઃ અલ્બાની સ્થિત એક યુનિવર્સિટીના ૫૯ કમ્પ્યુટર્સને હેક કરવા બદલ ભારતીય વિદ્યાર્થી વિશ્વનાથ અકુથોટાની ધરપકડ કરાઈ હતી. કમ્પ્યુટર હેકિંગના આરોપસર તેને ૧૦ વર્ષની સજા થાય એવી શક્યતા છે. અમેરિકન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા ૨૭ વર્ષના ભારતીય વિદ્યાર્થી વિશ્વનાથે યુએસબી કિલરની મદદથી ન્યૂ યોર્કના અલ્બાની સ્થિત યુનિવર્સિટીના ૫૯ જેટલા કમ્પ્યુટર્સને નુકસાન પહોંચાડયું હતું. યુનિવર્સિટીને ૫૮ હજાર ડોલરનું નુકસાન થયું હતું. આ આરોપ પછી ઉત્તર કેરોલિનામાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે આરોપની તપાસ થઈ હતી અને હવે તેને ૧૦ વર્ષની જેલની સજા તેમ જ અઢી લાખ ડોલરનો દંડ થાય એવી શક્યતા છે.
સ્ટૂડન્ટ વિઝા મેળવીને અમેરિકામાં રહેતા આ વિદ્યાર્થીએ સ્વીકાર્યું હતું કે તેણે યુનિવર્સિટીના કમ્પ્યુટર્સને નુકસાન પહોંચાડયું હતું. તેણે કોલેજેને થયેલું નુકસાન ભરપાઈ કરવાની તૈયારી દેખાડી હોવાનો દાવો અધિકારીએ કર્યો હતો.
આ વિદ્યાર્થીની આખરી સુનાવણી ઓગસ્ટ માસમાં થશે, પણ તેને ૧૦ વર્ષની જેલની સજા થશે એવું નક્કી માનવામાં આવી રહ્યું છે.