ડબ્લીન: આયર્લેન્ડના રહેવાસી 32 વર્ષીય ઇમોન કેવને સૌથી ઓછા સમયમાં માત્ર એક પૈડાંવાળી સાઈકલ દ્વારા આયર્લેન્ડને પાર કરવાનો અનોખો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. ઈમોને યુનિસાઇકલ તરીકે ઓળખાતી આ અનોખી સાઇકલ પર મિઝેન હેડથી માલિન હેડ સુધીનું 613 કિલોમીટરનું અંતર માત્ર 5 દિવસ, 5 કલાક અને 23 મિનિટમાં પૂર્ણ કરી પોતાના નામે અનોખી સિદ્ધિ નોંધાવી છે.
પોતાનું સપનું સાકાર થવા જેવી આ સિદ્ધિથી ખુશખુશાલ ઈમોન કહે છે કે 2020માં તેને યુનિસાઈકલ પર આયર્લેન્ડને પાર કરવાનો વિચાર આવ્યો હતો. જોકે તેણે આ પહેલા ક્યારેય યુનિસાઈકલ ચલાવી ન હતી. પડકારને પૂર્ણ કરવા માટે, ઈમોને થોડા અઠવાડિયા માટે યુનિસાઇકલ પર પ્રેક્ટિસ કરી હતી. ઈમોને આ પ્રેક્ટિસ ત્યાં સુધી ચાલુ રાખી જ્યાં સુધી તે એક દિવસમાં 100 કિલોમીટર સાઇકલ ચલાવી ન શકે.
યુનિસાઇકલ અંગે ઇમોનનું કહેવું છે કે આ સાઈકલ બિલકુલ આરામદાયક નથી. તે ચલાવવી ખૂબ જ અઘરી છે, તેની સીટ પણ એકદમ ભારે છે. એટલું જ નહીં, હેન્ડલ સીટ સાથે જોડાયેલું હોય છે. નોંધનીય છે કે ઈમોન આ પહેલા પણ બે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યો છે. તેણે 2016માં 2,080 કિમીની સૌથી લાંબી મુસાફરી ઉઘાડા પગે કરી હતી અને 2018માં દસ દિવસમાં 10 પહાડો ઉઘાડા પગે ચઢીને પોતાના નામે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. હાલ તો ઈમોનને તેની આ સિદ્ધિ બદલ મિત્રો સહિત સહુ સ્વજનો અભિનંદન પાઠવી રહ્યા છે.