ન્યૂૂ યોર્કઃ વિશ્વમાં ફેલાયેલા મતભેદોનો શાંતિથી ઉકેલ આવે તે માટે યુનોની સ્થાપના થઈ છે. યુનોના ધ્યેયને મદદરૂપ થાય એવી યુનોની સંલગ્ન સંસ્થાઓ અને સંગઠનો રચાયાં છે. આમાંની એક સંસ્થા ‘વિશ્વધર્મ સંસદ’ છે. યુનોમાં અભિવ્યક્તિ માટે અંગ્રેજી, ફ્રેંચ, ચીની, રશિયન, ફ્રેંચ અને અરબી ભાષાનો સ્વીકાર થયો છે. આ સિવાયની ભાષામાં કોઈ રાષ્ટ્રના વડા કે પ્રતિનિધિ બોલે તો બોલનારે એના અનુવાદકની વ્યવસ્થા કરવી પડે. યુનોમાં હજી હિંદી ભાષાનો પણ સ્વીકાર થયો નથી. તાજેતરમાં ‘વિશ્વધર્મ સંસદ’ અને યુનોના સંયુક્ત ઉપક્રમે મૃતાત્માઓની શાંતિ માટે પ્રાર્થનાસભા યુનોના સંકુલમાં આવેલા ચર્ચમાં યોજાઈ હતી. આ વિશ્વધર્મ સંસદમાં કુલ ૨૭ ટ્રસ્ટી છે. આમાં એક માત્ર હિંદુ મહિલા ટ્રસ્ટી છે તે ન્યૂ યોર્કનાં સેવામૂર્તિ ડો. ભદ્રાબહેન શાહ (એકદમ જમણે). મૃતાત્માઓની શાંતિ માટેની પ્રાર્થનામાં તેમણે દલિત, પીડિત, શોષિત એવી મૃત મહિલાઓ અને બાળકો માટે પ્રાર્થના કરી હતી. આ પ્રાર્થના હતી, ‘મંગલ મંદિર ખોલો દયામય’ આ પ્રાર્થના ગુજરાતીમાં કર્યા પછી તેમણે અંગ્રેજીમાં અનુવાદ પણ કર્યો હતો. અહીં બધા સભ્યો ભિન્નભિન્ન દેશ અને ધર્મોનાં હોવા છતાં ભક્તિભાવથી આ પ્રાર્થના સાંભળીને ભાવવિભોર બની ગયા હતા.