વોશિંગ્ટનઃ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોરનું રણશિંગુ ફૂંકી દેતાં સમગ્ર વિશ્વના બજારોમાં ખળભળાટ મચી ગયો છે. ટેરિફમાં પુનઃ વિચારણા બાબતે અમેરિકા સાથે વાટાઘાટોની શક્યતા અંગે દ્વિધા વધી રહી હોવાથી સોમવારે તમામ બજારોમાં કડાકો અનુભવ્યો હતો. આર્થિક મોરચે વ્યાપક બની રહેલી ટેરિફ વોરને ઠંડી પાડવા યુરોપ અને એશિયાના અનેક દેશોએ પોતાના પ્રતિનિધિઓને અમેરિકા મોકલવાનો નિર્ણય લીધો છે.
ડામાડોળ બજારો વચ્ચે વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર સાથેના સંબંધોનું પુનઃ મૂલ્યાંકન કરવાની મથામણ વચ્ચે જર્મનીના લક્ઝમબર્ગમાં યુરોપીયન યુનિયનના દેશોની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં જર્મનીના આર્થિક મંત્રી રોબર્ડ હેબેકે જણાવ્યુ હતું કે, ટેરિફમાં વ્યાપક સુધારા નરી મૂર્ખામી છે અને તેમાંથી બાકાત રહેવામાં એકાદ-બે દેશને સફળતા મળે તો પણ આ પ્રકારના પ્રયાસો અગાઉ ક્યારેય ફળદાયી રહ્યા નથી. યુરોપના દેશો સંગઠિત રહે તે મહત્ત્વનું છે. ટ્રમ્પના આ પગલાંએ અમેરિકાની નબળી સ્થિતિને પુરવાર કરી છે ત્યારે યુરોપના દેશો મજબૂત સ્થિતિમાં છે. જર્મનીએ અમેરિકાની નબળી આર્થિક સ્થિતિ અંગે ટિપ્પણી કરી તે પહેલા ચીને અમેરિકા પર 34 ટકા ટેરિફ લાદીને ટ્રેડ વોરને વધુ હવા આપી છે. તો સામી બાજુ અમેરિકાએ ચીન પર 104 ટકા ટેરિફ લાદવાની અને 9 એપ્રિલથી જ તેના અમલની જાહેરાત કરી છે.
‘અમેરિકા ફર્સ્ટ’નો અભિગમ
વૈશ્વિક નિયમોથી વિપરિતઃ ચીન
ચીનના વિદેશી બાબતોના પ્રવક્તા લિન જિઆને કહ્યું હતું કે, અમેરિકા ફર્સ્ટનો અભિગમ વૈશ્વિક નિયમોથી વિપરિત છે અને અર્થતંત્રને કચડવાનો પ્રયાસ છે. ચીનના આ આક્રમક જવાબી પગલા બાદ હોંગકોંગ શેરબજારના ઈન્ડેક્સમાં 13.2 ટકા અને શાંઘાઈ કોમ્પોઝિટ ઈન્ડેક્સમાં 7.3 ટકાનો કડાકો આવ્યો હતો. સાઉથ કોરિયાના વાણિજ્ય મંત્રાલયે પોતાના પ્રતિનિધિને વોશિંગ્ટન મોકલવાનો નિર્ણય લીધો છે. જેમાં અમેરિકાએ કોરિયા પર લાદેલા 25 ટકા ટેરિફ બાબતે વાટાઘાટો કરાશે. પાકિસ્તાન પર 29 ટકા ટેરિફ લાગુ થયો હોવાથી પાકિસ્તાનના પ્રતિનિધિ અમેરિકા જવાના છે. પાકિસ્તાનના નબળા અર્થતંત્ર પર અમેરિકાના ટેરિફની અસરના મૂલ્યાંકન માટે વડાપ્રધાને નાાણામંત્રી મોહંમદ ઔરંગઝેબને સૂચના આપી છે. પાકિસ્તાનમાંથી દર વર્ષે 5 બિલિયન ડોલરના ઉત્પાદનો અમેરિકા જાય છે.