સેંકડો સશસ્ત્ર જૂથો વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષના કારણે સીરિયામાંથી મોટા પાયે લોકોની હિજરત ચાલુ છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૬ લાખ કરતા પણ વધારે શરણાર્થીઓ યુરોપ પહોંચી ગયા છે. ક્યારેક-ક્યારેક તો એક દિવસમાં ૧૦ હજાર લોકો પણ પહોંચે છે. સીરિયનો સાથે જ ઇરાકી, અફઘાનિ શરણાર્થીઓ પણ રબરની હોડીઓમાં બેસીને યુરોપના દ્વારે પહોંચી રહ્યા છે.
શરણાર્થીઓની ભીડ યુરોપની સરકારો અને સ્થાનિક લોકોમાં ચિંતા વધારી રહી છે. શરણાર્થીઓના ધાડે-ધાડા પહોંચે તે પહેલાં જ ફ્રાન્સ, ગ્રીસ અને કેટલાક અન્ય યુરોપિયન દેશોમાં આ વિદેશીઓનો વિરોધ કરનારી જમણેરી પાર્ટીઓનો ઉદય થઈ ચૂક્યો છે. હંગેરી, ચેક રિપબ્લિકની સરકારો સહિત યુરોપિયન યુનિયન (ઇયુ)ના સભ્યોએ ચેતવણી ઉચ્ચારી છે કે નવા લોકો નોકરીની તકો, સરકારી સહાયતાના મામલે સ્થાનિક લોકો સાથે સ્પર્ધા કરશે. તેઓ યુરોપની ઓળખને અસર કરશે. મોટા ભાગના માઇગ્રન્ટ્સ મુસ્લિમ હોવાને કારણે સુરક્ષા સાથે જોડાયેલી ચિંતાઓ પણ ઊઠી છે.
યુરોપ પહેલા તુર્કીમાં ૧૯ લાખ સીરિયન શરણાર્થીઓ પહોંચી ચૂક્યા હતા. તુર્કીના પશ્ચિમી કિનારે આવેલા ગ્રીસના ટાપુ લગભગ પાંચ કિલોમીટર દૂર છે. આ વર્ષના પ્રારંભમાં સીરિયનોએ યુરોપ તરફ હિજરત શરૂ કરી હતી. ૨૫ ઓગસ્ટે જર્મનીના ઇમિગ્રેશન અને શરણાર્થી કાર્યાલયે ટ્વિટ કર્યું હતું કે જર્મની પહોંચનારા લોકો આશ્રય માટે અરજી કરી શકે છે. દરમિયાન તુર્કી, લેબોનોન અને જોર્ડનમાં શરણાર્થીઓની મુશ્કેલી વધી રહી હતી. સહાયતા કરનારી એજન્સીઓએ ઓગસ્ટમાં અચાનક જ મદદમાં કાપ મુકી દીધો હતો. પરિણામે હિજરતીઓની નજર નજર મધ્ય પૂર્વથી યુરોપ તરફ મંડાઇ છે.
બીજા વિશ્વ યુદ્ધ બાદ યુરોપમાં શરણાર્થીઓનો જુવાળ
• બીજા વિશ્વ યુદ્ધ બાદ સૌપ્રથમ વખત હાલમાં યુરોપમાં આટલી મોટી સંખ્યામાં શરણાર્થીઓ પહોંચ્યા છે. જાન્યુઆરીથી જૂન ૨૦૧૫ની વચ્ચે સીરિયા, કોસોવો, અફઘાનિસ્તાન, અલ્બેનિયા અને ઇરાકમાંથી સૌથી વધુ શરણાર્થી યુરોપ પહોંચ્યા છે.
• ૨૦૧૪માં વિશ્વના વિવિધ દેશોમાં સરેરાશ દૈનિક ૪૨,૫૦૦ વ્યક્તિ વિસ્થાપિત થયા અથવા તેમણે દેશ છોડવો પડ્યો.
• આ વર્ષે સીરિયા અને તુર્કીમાંથી યુરોપ પહોંચવાનો પ્રયત્ન કરતા ૩,૦૦૦ લોકોના ભૂમધ્ય સાગરમાં મોત નીપજ્યાં છે.
• લીબિયામાં શરણાર્થીઓને સમુદ્ર પાર કરાવીને દાણચોરોએ ૨૦૧૪માં ૧૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
• ૧૯ લાખ તુર્કીમાં આ સમયે ૧૯ લાખ સીરિયન શરણાર્થી છે. વિશ્વમાં શરણાર્થીઓની સૌથી વધુ સંખ્યા તુર્કીમાં છે. લેબનોનની ૨૫ ટકા વસતી સિરિયાઈ શરણાર્થીઓની છે.