લંડનઃ યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાની બ્રિટનની પહેલના પગલે યુરોપના ૩૪ દેશોમાં રેફ્યુજીઓના ધસારા, ઈયુ ચલણ અને સભ્યપદના મામલે યુરોપસંશયી પક્ષો દ્વારા અલાયદા જનમતની માગણી ઉઠી રહી છે. ફ્રાન્સના અતિ જમણેરી પક્ષ ધ ફ્રેન્ચ નેશનલ ફ્રન્ટની નેતા મેરિયન લે પેને બ્રેક્ઝિટને ‘લોકશાહીનો વિજય’ ગણાવી રેફરન્ડમની માગણી કરી છે, જ્યારે હંગેરીના વડા પ્રધાન વિક્ટર ઓર્બાને નિર્વાસિતોના ધસારાના મુદ્દે અને ઈટાલીની ફાઈવ-સ્ટાર મૂવમેન્ટે યુરો ચલણ રાખવા અંગે જનમતની હાકલ કરી હતી. ઈયુના વધુપડતા હસ્તક્ષેપથી નારાજ મોટા ભાગના સભ્ય દેશો ઈયુ કાયદાઓમાં સુધારાની તરફેણ કરી રહ્યાં છે.
યુરોપિયન કાઉન્સિલ ઓન ફોરેન રીલેશન્સ (ECFR)ના અભ્યાસે જણાવ્યું છે કે અતિ-જમણેરી પાર્ટીઓ બ્રેક્ઝિટ નિર્ણયનો લાભ લેવા તત્પર થઈ છે. ઈયુમાં તુર્કીના જોડાણનો ભય અને ઈસ્લામોફોબિયાના ઉછાળાથી ઈમિગ્રેશનવિરોધી અને ઈયુવિરોધી પાર્ટીઓનું બળ વધી રહ્યું છે.
ફ્રેન્ચ નેતા મિસ લે પેને કહ્યું હતું કે ઈયુ છોડવાનો મત આપીને બ્રિટને પહેલ કરી છે. બર્લિનની દીવાલ તૂટ્યા પછી આ સૌથી મોટી ઐતિહાસિક પળ હતી. અમારા દેશમાં રાજકારણીઓ લોકોથી ડરે છે. જો તેઓ આગામી વર્ષે પ્રમુખપદે ચૂંટાશે તો ઈયુ સભ્યપદ અંગે આવા જ રેફરન્ડમની હિમાયત કરશે. તેમણે કહ્યું હતું કે ફ્રાન્સ પાસે ઈયુ છોડવાના ૧,૦૦૦થી વધુ કારણ છે. મિસ પેન ચાર વર્ષથી ઈયુ મુદ્દે રેફરન્ડમ યોજવાની માગણી કરી રહ્યાં છે. ડિસેમ્બરમાં પેરિસ હુમલાઓ પછી ફ્રન્ટ નેશનલને પ્રાદેશિક ચૂંટણીઓમાં ૨૭ ટકા મત મળ્યા હતા. જોકે, ફ્રાન્સમાં એક ઓપિનિયન પોલમાં ઈયુ છોડવાનો મત આપનારા ૪૧ ટકા જ હતા.
નેધરલેન્ડના અતિ જમણેરી ડચ નેતા ગીર્ટ વિલ્ડર્સે ‘નેક્ઝિટ’વોટની હિમાયત કરી છે. તેમણે આગામી માર્ચની ચૂંટણીમાં રેફરન્ડમ વોટને પ્રાધાન્ય આપવાનું વચન આપ્યું છે. તાજેતરના ઓપિનિયન પોલમાં ૫૪ ટકા ડચ મતદારોએ ઈયુ સભ્યપદ અંગે રેફરન્ડમ યોજવા તરફેણ કરી હતી, જે થોડા વર્ષોમાં શક્ય બની શકે છે.
હંગેરીના વડા પ્રધાન વિક્ટર ઓર્બાને બ્રેક્ઝિટ માટે ઈયુ માઈગ્રેશન નીતિઓને જવાબદાર ગણાવતા કહ્યું હતું કે,‘જો ઈયુ માઈગ્રેશન પરિસ્થિતિનું નિરાકરણ નહિ લાવે તો યુકેના કેસમાં જે પડકારો આપણે અનુભવ્યા તેમાં વધારો થશે.’ ઓર્બાને તો આ વર્ષના ઉત્તરાર્ધમાં રેફ્યુજીઓના મુદ્દે રેફરન્ડમ યોજવાની જાહેરાત કરી છે. રેફરન્ડમમાં એવો પ્રશ્ન કરાશે કે ‘હંગેરીની પાર્લામેન્ટની મંજૂરી વિના ઈયુ હંગેરીમાં બિન-હંગેરિયન નાગરિકોને વસાવવાનો નિર્ણય લઈ શકે તેમ તમે ઈચ્છો છો?’
હંગેરી સહિતના કેટલાક ઈયુ દેશોએ ઈયુએ લાદેલાં રેફ્યુજી ક્વોટાને સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. ગયા વર્ષ પછી ૧૦ લાખથી વધુ નિર્વાસિતોનો ધસારો થતાં ઓસ્ટ્રિયા, જર્મની, સ્વીડન અને ડેન્માર્કે તેમની સરહદો પર અંકુશો વધારી દીધાં છે. ગ્રીસમાં આર્થિક કટોકટીના સમયે રેફ્યુજીઓ નડી રહ્યાં છે. ગ્રીસના ૫૦ ટકા નાગરિકો માને છે કે ઈયુથી તેમના દેશને કોઈ ફાયદો થયો નથી. ઝેક રીપબ્લિકમાં એક પોલમાં ૬૨ ટકા લોકોએ ઈયુ છોડવાની તરફેણ કરી હતી. બ્રસેલ્સે સંખ્યાબંધ નિર્વાસિતો સ્વીકારવા આ દેશને ફરજ પાડી હતી.
સ્વીડન ઈયુમાં રહેવા ઈચ્છતું હોવાં છતાં ગાઢ મિત્ર બ્રિટનનો માર્ગ અપનાવે તેવી શક્યતા છે. જો બ્રિટન ઈયુ છોડે તો ઈયુ છોડવા ૩૬ ટકા સ્વીડિશ નાગરિકોએ તૈયારી દર્શાવી હતી, જ્યારે ૩૨ ટકાએ ઈયુમાં રહેવાની તરફેણ કરી હતી. સ્વીડનના વિદેશપ્રધાન માર્ગોટ વોલ્સ્ટ્રોમે પણ આવો સંકેત આપ્યો હતો. સ્વીડનને પણ માઈગ્રન્ટ્સની સમસ્યા નડે છે. ઈટાલીમાં પણ ૪૮ ટકા નાગરિકોએ તક મળે તો ઈયુ છોડવાની તરફેણ કરી છે. ગયા વર્ષે આંકડો ૩૫ ટકાનો હતો. આ માટે ઈટાલીમાં માઈગ્રેશન કટોકટી, નબળો આર્થિક દેખાવ અને યુવાનોમાં બેરોજગારી મુખ્ય કારણ છે. ઈટાલીની સરકારવિરોધી ફાઈવ-સ્ટાર મૂવમેન્ટે યુરોનું ચલણ રાખવું કે નહિ તેનો જનમેત લેવાનું દબાણ વધાર્યું છે. તેણે જર્મની જેવા ધનવાન દેશો અને અલ્પવિકસિત દેશો માટે અલગ એમ બે ચલણ રાખવા સૂચન કર્યું છે.