વોશિંગ્ટન: અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટનો નિવાસી એવો 18 વર્ષીય રિયો માત્સુઓકા યુરોપના તમામ દેશોની મુલાકાત લેનાર વિશ્વનો સૌથી યુવા પ્રવાસી બન્યો છે. રિયોએ તેના 18મા જન્મદિવસે આઇસલેન્ડથી યુરોપ પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. તેણે 101 દિવસમાં યુરોપના તમામ 44 દેશોની મુલાકાત માલ્ટામાં પ્રવાસનું સમાપન કરવા સાથે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. રિયોએ પશ્વિમના યુરોપના દેશોનો પ્રવાસ ટ્રેન દ્વારા કર્યો હતો જ્યારે પૂર્વ યુરોપિયન દેશોનો પ્રવાસ બસ દ્વારા કર્યો હતો.
રિયોએ જણાવ્યું હતું કે, આ એક વાસ્તવિક સંયોગ હતો કે મેં આ વિશ્વવિક્રમનો પ્રયાસ કરવાનો નિર્ણય કર્યો, હું મારા પરિવારને કહેતો હતો કે હું ગ્રેજ્યુએટ થયા પછી યુરોપના પ્રવાસે જવાનું પસંદ કરીશ અને પછી મેં આ પ્રવાસ ખેડવાનો પ્રયાસ કર્યો, અને શાનદાર રીતે સંપન્ન થયો. ઉલ્લેખનીય છે કે રિયોને નવા-નવા અનુભવો લેવાનું, લોકોને મળવાનું અને દરેક દેશની અનન્ય સંસ્કૃતિઓ વિશે જાણવાનું ખૂબ પસંદ છે. આથી જ તેના માટે યુરોપનો પ્રવાસ આનંદમય બની રહ્યો હતો.