લંડન, ફ્રેન્કફર્ટઃ યુરોપમાં ૫૫ બિલિયન યૂરો એટલે કે આશરે ૬૩ બિલિયન ડોલરનું જંગી ટેક્સ કૌભાંડ પ્રકાશમાં આવતાં સનસનાટી મચી છે. યુરોપની બેન્કો અને નેશનલ ટ્રેઝરીને કરોડો યૂરોનું નુકસાન થયું છે. આ કૌભાંડમાં જર્મની, ફ્રાન્સ, સ્પેઇન, ઇટાલી, નેધરલેન્ડ, ડેન્માર્ક, બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડ સહિત ૧૧ દેશમાંથી ટેક્સ ચોરી કરાઈ હતી. રિફંડના ખોટા ક્લેમ થકી કરદાતાઓનાં નાણાંની ઉચાપતથી રોકાણકારોનાં ખિસ્સાં ભરાતાં હતા.
મીડિયા અનુસાર આ રકમ ૫૫.૨ બિલિયન યૂરો જેટલી છે. જર્મનીના રોકાણકારોએ ૩૧.૮ બિલિયન યૂરો, ફ્રાન્સના કરદાતાએ ૧૭ બિલિયન યૂરો, ઇટાલીના રોકાણકારે ૪.૫ બિલિયન યૂરો, ડેન્સના રોકાણકારે ૧.૭ બિલિયન યૂરો તેમજ બેલ્જિયમના રોકાણકારે ૨૦.૧ મિલિયન યૂરો ગુમાવ્યા હતા.
આ કૌભાંડમાં બે પદ્ધતિ અપનાવાઈ હતી. પ્રથમ પદ્ધતિમાં કમ-એક્સ સિસ્ટમમાં કેટલાક રોકાણકારો પસંદગીની કંપનીઓ ડિવિડન્ડ આપવાની હોય તેવા સમયે જ શેર્સની ખરીદી અને વેચાણ કર્યા પછી શેર્સની એટલી ઝડપે માલિકી બદલાતી હતી કે શેરનો સાચો માલિક કોણ તે જાણવાનું ટેક્સ સત્તાવાળાઓ માટે મુશ્કેલ બનતું હતું. બીજી પદ્ધતિમાં રોકાણકારો સાથે મળીને ડિવિડન્ડ પર ચૂકવાયેલા ટેક્સ પર જંગી રિફંડ માગતા હતા અને ટ્રેઝરીમાં બિલ મૂકીને રિફંડના પૈસા મેળવાતા હતા