નવી દિલ્હી: ગત માર્ચે એપ્રિલ એટલે કે વસંતમાં કોરોનાનું પહેલું મોજું હતું, અને હવે એક વર્ષ પછી ફરીથી વસંતના પ્રારંભે કોરોનાની ત્રીજી લહેરના યુરોપમાં ભણકારા છે. ઇટલી, ફ્રાન્સ, જર્મની, પોલેન્ડ અને બેલ્જિયમ સહિત યુરોપમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો નોંધાઇ રહ્યો છે. આ દેશોમાં ફેબ્રુઆરીની શરૂઆતના મુકાબલે અત્યારે ઇન્ફેક્શન રેટ તેના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે. સમગ્ર યુરોપમાં ૮ લાખ નવા કેસ મળ્યા હતા, જે આગલા સપ્તાહની તુલનાએ ૫.૮ ટકા વધારે છે. તેના માટે કોરોનાના નવા વેરિયન્ટને જવાબદાર મનાઇ રહ્યો છે. વધતા કેસોને ધ્યાનમાં રાખી મોટા ભાગના દેશોને લોકડાઉન અને પ્રતિબંધો વધારવાની શરૂઆત કરી છે.
બીજી બાજુ, વધતા કેસની સાથે યુરોપમાં વેક્સિનેશનની ઝડપ પણ ઘટી ગઇ છે. યુરોપ વેક્સિનના કુલ ૪.૮૫ લાખ ડોઝ આપી અમેરિકા, બ્રિટન અને ચીનની તુલનાએ વેક્સિનેશનમાં પાછળ ચાલી રહ્યું છે. જ્યારે દુનિયામાં કુલ દર્દીઓની સંખ્યા ૧૨ કરોડને વટાવી ચૂકી છે.
ફ્રાન્સમાં એક મહિનાનું લોકડાઉન
ફ્રાન્સમાં ફરી એક વાર કોરોનાએ કાળો કેર મચાવ્યો છે. કોરોનાનાં સંક્રમણની ત્રીજી લહેર માઝા મૂકી રહી છે. પરિણામે રાજધાની પેરિસ સહિત દેશનાં ૧૬ શહેરોમાં એક મહિનાનું લોકડાઉન અમલમાં મુકાયું છે. જોકે વડા પ્રધાન જિન કેસ્ટેક્સે કહ્યું છે કે, આ વખતનું લોકડાઉન અગાઉની જેમ વધુ કડક નહીં હોય. જરૂરી ચીજો અને સેવાઓને ચાલુ રાખવા આદેશ અપાયો છે. નર્સરી, એલિમેન્ટરી અને હાઈસ્કૂલો ચાલુ રખાઈ છે. લોકો રમતગમત અને કસરત માટે ઘરની બહાર નીકળી શકશે.
જોકે ઘરથી ૧૦ કિમી દૂર સુધી નહીં જઈ શકાય. ફ્રાન્સમાં ૨૪ કલાકમાં ૩૫,૦૦૦ જેટલા નવા કેસ બહાર આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આઇસીયુમાં હાલ યુવાન દર્દીઓને સારવાર આપી રહી છે. જુદાજુદા વેરિઅન્ટ સાથેના કેસ આવતા સરકારની મુશ્કેલી વધી છે.
પેરિસમાં દર ૧૨ મિનિટે એક હોસ્પિટલમાં
ફ્રાન્સમાં ડિસેમ્બર ૨૦૨૦માં ઝડપથી કોરોના કેસમાં ઘટ્યા હતા, પણ જાન્યુઆરી પછી તેમાં ધરખમ વધારો થયો છે. સ્થિતિ એટલી બગડી છે રાજધાની પેરિસમાં આઇસીયુ લગભગ ફુલ થઇ ગયા છે. ફ્રાન્સના સ્વાસ્થ્ય પ્રધાન ઓલિવિયર વેરને કહ્યું કે દિવસ હોય કે રાત દર ૧૨મી મિનિટે પેરિસમાં એક કોરોના દર્દી હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો છે. ફ્રાન્સના અનેક વિસ્તારમાં લોકડાઉન તથા પ્રતિબંધ લાગુ કરાયા છે.
ઇટલીમાં પણ પ્રતિબંધ લાગુ
ઇટલીમાં સોમવારથી લગભગ સમગ્ર દેશમાં લોકડાઉન સાથે પ્રતિબંધાત્મક આદેશો લાગુ થયા છે. ફક્ત જરૂરી કામ અર્થે જ ઘરથી બહાર નીકળવાની છૂટ અપાઇ છે. ગત સપ્તાહે ઇટાલીમાં દરરોજ ૨૫ હજારની વધુ કેસ મળી રહ્યા છે. વડા પ્રધાન મારિયો ડ્રાગીને વધતા કેસ અંગે કહ્યું કે ગત વસંતમાં જે થયું તેની યાદો હજી તાજી છે. તેનું પુનરાવર્તન થતું રોકવા માટે અમે દરેક સંભવ પ્રયાસ કરીશું. ઇટાલીમાં વેક્સિનેશનની ઝડપ ધીમી પડી રહી છે.