નાઈરોબીઃ કેન્યાની ફળદ્રૂપ ધરતીમાં અનેકરંગી ગુલાબ સહિત વિવિધ પ્રકારના ફૂલ ઉગાડાય છે. મોટા ભાગના ફૂલોની યુરોપ, નેધરલેન્ડ્સમાં નિકાસ કરવામાં આવે છે. કેન્યાની ફૂલીફાલી રહેલી ફ્લાવર ઈન્ડસ્ટ્રી 150,000 થી વધુ લોકોને રોજગારી આપવા સાથે દેશમાં સૌથી મોટા એમ્પ્લોયરમાં એક છે તેમજ દર વર્ષે ફોરેન એક્સચેન્જમાં આશરે 1 બિલિયન ડોલર (760 મિલિયન પાઉન્ડ)ની કમાણી કરાવે છે. જોકે, ફ્લાવર ઈન્ડસ્ટ્રીમાં પાણીનો વધુ ઉપયોગ થતો હોવાથી પર્યાવરણને પણ નુકસાન પહોંચે છે.
કેન્યાની ફ્લાવર ઈન્ડસ્ટ્રીમાં મુખ્યત્વે મહિલાઓ કામ કરે છે જેઓ બગીચાઓમાં ફૂલોનો પાક લણવા સાથે ગ્રીનહાઉસ કોમ્પ્લેક્સીસમાં તેમને અલગ પાડવાની કામગીરી બજાવે છે. આમ છતાં, ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારા વર્કર્સ ખુશ નથી કારણકે તેમને માસિક 100 ડોલર જેટલું જ વેતન મળે છે અને વર્ષોથી તેમાં કોઈ ફેરફાર થયો નથી. મહિલાઓએ દિવસમાં ફૂલોની 3700 ડાળખીઓ અલગ પાડી તેમના બંચ બાંધવા પડે છે. ઘણી વખત તેમને વધુ સમય કામ કરવાની ફરજ પડે છે પરંતુ, ઓવરટાઈમના નાણા મળતા નથી. દર મહિનાના અંતે તેમના પરિવાર માટે પૂરતું ભોજન રહેતું નથી અને ઘણી વખત તેમણે ઉપવાસ ખેંચી નાખવો પડે છે. અસ્તિત્વ જાળવવા તેમજ બાળકોના અભ્યાસ માટે તેમણે દેવું કરવાની ફરજ પડે છે.
નાઈરોબીસ્થિત એનજીઓના 2023ના રિપોર્ટ મુજબ કેન્યાના બાગાયતી ફાર્મ્સમાં કેમિકલ્સ અને પેસ્ટિસાઈડ્સનો ધરખમ ઉપયોગ કરાય છે પરંતુ, વર્કર્સને પ્રોટેક્ટિવ વસ્ત્રો અપાતાં નથી. આના પરિણામે, કેન્સર જેવાં રોગનો શિકાર પણ બને છે. મહિલા વર્કર્સને યૌનશોષણનો સામનો પણ કરવો પડે છે.