મિલાનઃ શિયાળો જામતાં યુરોપના દેશોની સરકારો લોકડાઉન લાદતી જાય છે. સરકારો લોકડાઉનની અસર અમુક ઉદ્યોગ પૂરતી મર્યાદિત રાખવા પ્રયાસમાં છે છતાં તેની આકરી કિંમત ચૂકવવી પડશે. ઇટાલીએ તેની આર્થિક રાજધાની મિલાનના સૌથી ધનાઢ્ય વિસ્તાર લોમ્બાર્ડીમાં આંશિક લોકડાઉન લાદી દીધું છે. ઇટાલીના વડા પ્રધાને જણાવ્યું કે, હવે આ સૌથી વધારે વસ્તી ધરાવતા વિસ્તારોમાં ફેલાયેલા કોરોનાના ચેપના પ્રમાણ અનુસાર લાલ, ઓરેન્જ અને પીળા રંગમાં વહેંચાયા છે. રોમમાં તથા બાકીના દેશમાં પ્રમાણમાં હળવા નિયંત્રણો છે.
જર્મનીમાં પણ બાર અને રેસ્ટોરાં બંધ કરાવાયા છે. ફ્રાન્સમાં વધારે કડક નિયંત્રણો લદાયા છે. સ્વિત્ઝરલેન્ડમાં ચર્ચમાં ગવાતાં કોયર્સ ગાન બંધ કરાયા છે. આ લોકડાઉનથી યુરો એરિયામાં ભારે મંદીની આશંકા છે. ગોલ્ડમેન સેશન અનુસાર ૨૦૨૦ના છેલ્લા ત્રણ મહિનામાં ઇકોનોમી ૨.૩ ટકા સંકોચાશે. ફ્રાન્સમાં બીજા લોકડાઉનના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. એમેઝોન અને સુપરમાર્કેટ સામે ટકી રહેવા જંગ લડી રહેલાં નાના ધંધા લોકડાઉનનો માર સહેવાની સ્થિતિમાં રહ્યા નથી. લોકડાઉનમાં પુસ્તકો, રમકડાં, ફૂલો અને ડિશોને પણ બિનઆવશ્યક વસ્તુઓ ગણાતા આ વસ્તુઓની દુકાનો મહિના માટે બંધ કરવી પડશે. બીજી તરફ ઇન્ડોનેશિયામાં બે દાયકામાં પહેલીવાર મંદીના પગરણ થયા છે. આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં લાખો લોકોએ જોબ્સ ગુમાવતાં જીડીપી ધારણા અનુસાર ૩.૪૯ ટકા કરતાં વધારે સંકોચાયો છે. ઇન્વેસ્ટમેન્ટ પણ ઘટયું છે. બીજી તરફ ચીને યુકેથી આવતાં બિન ચીની નાગરિકો માટે પ્રવેશ કામચલાઉ ધોરણે બંધ કર્યો છે. છ નવેમ્બરથી યુએસ, ફ્રાન્સ, જર્મની અને થાઇલેન્ડથી ચીન આવતાં તમામ પ્રવાસીઓએ ન્યૂક્લિઇ ટેસ્ટ અને રક્તનો એન્ટીબોડી ટેસ્ટ કરાવવો પડશે.