શેન્જેન, જોહાનિસબર્ગઃ યુરોપના શેન્જેન વિસ્તારમાં વિઝા માટે આફ્રિકન નાગરિકો સાથે ભેદભાવ થઈ રહ્યો હોવાના આક્ષેપો છે. શેન્જેન વિઝા સ્ટેટેસ્ટિક્સ 2023ના ડેટા મુજબ વિઝાઅરજી ફગાવી દેવાયાના કારણે આફ્રિકન નાગરિકોએ વિઝા એપ્લિકેશન ફી તરીકે 56 મિલિયન યુરો ગુમાવ્યા હતા. આફ્રિકન્સ માટે વિશ્વમાં અન્ય કોઈ પણ સ્થળની સરખામણીએ શેન્જેન ક્ષેત્રમાં વિઝા રિજેક્શન દર વધારે છે. યુરોપીય શેન્જેન વિઝા માટે એપોઈન્ટમેન્ટ મળવી મુશ્કેલ રહે છે, અરજદારોએ લઘુતમ બેન્ક બેલેન્સ પુરવાર કરવું પડે છે તેમજ મુલાકાતના હેતુ અને વતન પરત થવાની યોજનાની સાબિતીઓ આપવાની રહે છે.
શેન્જેન ક્ષેત્રમાં જર્મની, ઓસ્ટ્રીઆ, બેલ્જિયમ, ડેનમાર્ક, ફ્રાન્સ, ગ્રીસ, હંગેરી, ઈટાલી, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ્સ, નોર્વે, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિઆ, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ, માલ્ટા સહિત 29 દેશોનો સમાવેશ થાય છે. આફ્રિકા માટે યુરોપીય શેન્જેન વિઝા રિજેક્શન દર વૈશ્વિક દરથી 10 ટકાથી વધુ છે જેના પરિણામે વેપાર, બિઝનેસીસ અને શૈક્ષણિક ભાગીદારીને અસર થાય છે અને આફ્રિકન અર્થતંત્રોને સહન કરવાનું રહે છે. યુરોપીય દેશો અનુસાર મોટા ભાગના અરજદારો સ્વદેશ પરત ફરવાનો ઈરાદો નહિ ધરાવતા હોવાની શંકાએ વિઝા રિજેક્ટ થાય છે.
અમેરિકામાં રહેતા 25 અરજદારમાંથી માત્ર એક અરજી નકારાય છે. વર્ષ 2022માં અલ્જિરિયાના 392,000 થી વધુ અરજદારોની અરજી નકારાઈ હતી. તેનો રિજેક્શન રેટ 45.8 ટકા હતો જેના પછી, ગિની-બિસાઉ (45.2 ટકા) અને નાઈજિરિયા (45.1 ટકા)નો ક્રમ હતો. બીજી તરફ, સાઉથ આફ્રિકા, બોટ્સ્વાના અને નામિબીઆના અરજદારો માટે રિજેક્શન રેટ 7ટકા ટકાથી પણ ઓછો હતો.