મેક્સિકોમાં એક યુવતીનાં લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્લિપમાં એક યુવતી નાના બાળક જેવા લાગતા વરરાજા સાથે ખ્રિસ્તી લગ્નવિધિથી જોડાતી દેખાડાઈ છે. બંને વેડિંગ ડ્રેસમાં લગ્ન કરી રહ્યા છે. આ વીડિયોથી સોશિયલ મીડિયામાં ભારે વિવાદ થયા બાદ હકીકત સામે આવી છે. હકીકત એવી છે કે યુવતીએ જેની સાથે લગ્ન કર્યાં છે એ યુવક ૧૯ વર્ષનો છે અને તેનું નામ જોનાથન છે. જોનાથન નામનો આ યુવક એક ડિસઓર્ડરનો શિકાર બન્યો હોવાથી તેનો સંપૂર્ણ શારિરીક વિકાસ થયો નથી. જો કે તેની આવી તકલીફ તેને સાચો પ્રેમ શોધવામાં નડતરરૂપ બની નથી. જોનાથનની મિત્ર સાથે તેને પ્રેમ થઈ જતાં બંનેના પરિવારે ધામધૂમથી બંનેનાં લગ્ન તાજેતરમાં કરાવી આપ્યાં હતા. જેના કેટલાક ફોટોઝ વાઈરલ થતાં યૂઝર્સે અર્થનો અનર્થ કર્યો હતો. હકીકતમાં આ લગ્ન સાથે ચાઈલ્ડ ટ્રાફિકિંગને કોઈ જ લેવાદેવા નથી. જોનાથને જે યુવતી સાથે લગ્ન કર્યા એ પણ એરેંજ નહીં પણ લવ મેરેજ હતા. વાઈરલ ફોટોનું સત્ય સામે આવતાં જ અનેક લોકોએ જોનાથનને તેનો સાચો પ્રેમ મેળવવા બદલ શુભેચ્છાઓ પણ આપી હતી અને યુવતીને પણ બિરદાવી છે.
સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા આ ફોટોએ ફરી એકવાર યુઝર્સના મનઘડત દાવાઓને ખોટા સાબિત કર્યા હતા. ફોટોમાં અને વીડિયોમાં જોઈએ તો એવું લાગે કે એક યુવતીએ તેનાથી ખાસ્સી એવી નાની ઉંમરના બાળક સાથે લગ્ન કર્યાં છે. આના કારણે બાળલગ્ન કે ચાઈલ્ડ ટ્રાફિકિંગની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ હતી. જો કે જે બાદ તેનું સત્ય સામે આવ્યું ત્યારે બધા જ ઈમોશનલ થઈ ગયા હતા અને યુગલને સોશિયલ મીડિયા પર ખૂબ આશીર્વાદ અને શુભેચ્છા મળી રહી છે.